Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

અમદાવાદમાં મકરસંક્રાંતિમાં પ્રતિબંધ હોવા છતાં મ્‍યુઝીક સિસ્‍ટમ વગાડીને પતંગ ચગાવનાર મહિલા સામે ગુન્‍હોઃ લાલાભાઇની પોળમાં 2 યુવકો દ્વારા જાહેરનામાનો ભંગ

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણ તહેવાર માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. સરકાર દ્વારા ઉજવણી પર કેટલાક નિયમો મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક લોકોએ સરકારની ગાઈડલાઈનનો ભંગ કર્યો. જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ધાબા પર સ્પીકર વગાડવા બદલ ત્રણ વિરુદ્ધ પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

ખાડિયાની પોળમાં બે યુવકોની ધરપકડ

અમદાવાદ પોલીસે ઉત્તરાયણમાં સ્પીકર વગાડનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદની ફેમસ ખાડિયાની લાલાભાઈની પોળમાં પોલીસે બે યુવકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે. લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકાયો હતો, છતાં પણ બે યુવકો દ્વારા સ્પીકર વગાડવામાં આવ્યા હતા. પોલીસે અરુણ માજી અને સમર દુલાલ નામના બે શખ્સ સામે ગાઈડલાઈન મુજબ ઉત્તરાયણમાં ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઈસનપુરમાં મહિલા મ્યૂઝિક સિસ્ટમ વગાડતા દેખાઈ

તો બીજી તરફ, ઇસનપુર પોલીસે એક શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. ઘોડાસરની એક સોસાયટીમાં સ્પીકર વગાડવા બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રામગલી પાસે બે માળના મકાનના ધાબા પર મ્યુઝિક સિસ્ટમ વગાડતાં જોવા મળ્યા હતા. જેથી ડ્રોન કેમેરામાં કેદ થયેલા મકાન પર જઈ તપાસ કરતા રંજનબેન ચુનારા નામની મહિલા ધાબા પર મ્યુઝિક સિસ્ટમ વગાડતી હતી જેથી પોલીસે તેમની સામે ગુનો નોંધી મ્યુઝિક સિસ્ટમ જપ્ત કરી ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે, કોરોનાની ગાઈડલાઈન મુજબ આ વર્ષે ઉત્તરાયણમાં ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. છતાં અનેક મકાનો પર લાઉડ સ્પીકર વગાડાયા હતા. અમદાવાદ પોલીસે ડ્રોન કેમેરા દ્વારા અનેક વિસ્તારો પર નજર મૂકી હતી. ખાસ કરીને અમદાવાદનો પોળ વિસ્તાર અને શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રોન વધુ ફરતા કરાયા હતા. 

(5:15 pm IST)