Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગુજરાતમાં ૧૦.૮૮ લાખ મતદારોનો વધારોઃ કુલ ૪.૭૨ કરોડ

ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધઃ વિધાનસભાની યાદીના આધારે રાજ્ય ચૂંટણી પંચ મતદાર યાદી બનાવશે

રાજકોટ, તા. ૧૫ :. ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની આખરી મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં કુલ મતદારોનો આંકડો ૪.૭૨ કરોડને વળોટી ગયો છે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૧ના દિવસ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નોંધાયેલા મતદારોને મતાધિકાર મળશે. રાજ્ય વિધાનસભાની મતદાર યાદીનો આધાર લઈને રાજ્ય ચૂંટણી પંચ પોતાની મતદાર યાદી બનાવશે. પાલિકા - પંચાયતોની ચૂંટણી માટે આ જ મતદાર યાદી ઉપયોગી થશે. રાજ્ય ચૂંટણી પંચની આખરી મતદાર યાદી ૨ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થશે.

જાણવા મળ્યા મુજબ રાજ્યમાં ૪.૬૧ કરોડ જેટલા મતદારો હતા. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ કમી થયેલા અને નવા ઉમેરાયેલા મતદારોનું આંકડાકીય ચિત્ર સામે આવ્યુ છે. મતદારોનો ચોખ્ખો વધારો ૧૦.૮૮ લાખ જેટલો થયો છે. રાજ્યના મતદારોની સંખ્યા વધીને ૪.૭૨ કરોડે પહોંચી છે. ચૂંટણી પંચ દ્વારા વિગતવાર સત્તાવાર આંકડાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની આગામી ચૂંટણી ડીસેમ્બર ૨૦૨૨માં આવવા પાત્ર છે. તે પહેલા સમયાંતરે મતદાર યાદી સુધારણા અભિયાન ચાલતુ રહેશે. વિધાનસભાની આગામી ચૂંટણી સુધીમાં ગુજરાતમાં મતદારોનો આંકડો પાંચ કરોડ આસપાસ પહોંચી જવાની ધારણા છે.

(4:38 pm IST)