Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યોઃ કેટલાક વિસ્‍તારોમાં ઠંડી ૩ ડિગ્રીએ પહોંચી જશેઃ આંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ : ઉત્તરાયણ પછી એટલે આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. જોકે, આગામી બે દિવસ બાદ ઠંડીના ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદના કારણે પણ અહીં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે.

જાણીતા જ્યોતિષ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં ઠંડી ઘટીને ત્રણ ડિગ્રી જેટલી થઈ શકે છે. હકીકતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર રહેશે. આજ પ્રમાણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીતિ છે.

(4:43 pm IST)