Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

મકરસંક્રાંતિ પર્વ ઉજવવા માટે દુબઇથી કિંજલ દવે અમદાવાદ આવીઃ કીર્તિદાન ગઢવીએ સાસરિયા કચ્છ-ગાંધીધામમાં પરિવાર સાથે પતંગ ઉડાવી

અમદાવાદ: ઉત્તરાયણ પર્વની ઉજવણી સૌ કોઈ કરે છે પણ સેલિબ્રિટી કઈ રીતે પર્વ ઉજવે તે જાણવામાં સૌકોઈને ઉત્સુકતા હોય છે. આ વર્ષની ઉત્તરાયણમાં પણ અનેક જાણીતી સેલિબ્રિટીએ ધાબા પર જઈ પતંગ ચગાવી ધમાલ મસ્તી કરી હતી.

કલાકાર કોઈ પણ હોય તે પોતાની રીતે તહેવાર તો ઉજવતો જ હોય છે. ગાયક કલાકાર છે તો ઉત્તરાયણની મસ્તીને પંક્તિમાં ઢાળી જ દે છે. અમદાવાદના ખાડિયામાં ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ધાબા પર અનેક કલાકારોએ ખૂબ મસ્તી સાથે ઉતરાયણ ઉજવી હતી. એક નહીં પણ અનેક કલાકારો, ગાયક અરવિંદ વેગડા, અભિનેત્રી નિરાલી જોશી, અભિનેત્રી કોમલ ઠક્કરે ગીતો પર ડાન્સ કરીને ઉત્તરાયણ ઉજવી હતી. અને દર વર્ષે આ પ્રકારે જ તહેવારોની ઉજવણી કરે છે. પતંગ ચગાવવાની સાથે ગીતો પણ ગાયા હતાં.

કચ્છના ગાંધીધામ ખાતે લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના સાસરિયામાં પ્રથમ વખત મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ સહ પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તેમનાં જીવનસાથી સોનલબેન અને પુત્ર ક્રિષ્ના અને રાગે પણ પતંગની મજા માણી.

રેવા ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જરે પરિવાર સાથે ઉજવી ઉત્તરાયણ. ધાબા પર ડાન્સ સાથે મોજ-મસ્તી કરતી મોનલ ગજ્જરે ગુજરાતીઓને કહ્યું હેપ્પી એન્ડ સેફ ઉત્તરાયણ.

સાંઈરામ દવે પણ પતંગ ચગાવવાની મજામાંથી બાકાત ન રહ્યા. યુવા લોકગાયિકા કિંજલ દવે પણ અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવવા માટે ખાસ દુબઈથી આવી અને પરિવારજનો મિત્રો, સગાસંબંધીઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી, સાથે જ સાવચેતીથી તહેવાર ઉજવવાની પણ અપીલ કરી હતી. જાણીતા લોકગાયક એભરસિંહે પણ અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે મેઘાણીનું જાણીતુ ગીત ગાઈને અનોખી મજા કરાવી.

(4:43 pm IST)