Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

આણંદના શ્રી રોકડીયા હનુમાનજી નૂતન મંદિરના ઉદઘાટન સાથે કાલથી પંચદિનાત્મક દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ

રાજકોટ તા. ૧૫ : આણંદ ખાતે મારૂતીનગર, ગોયા તળાવ પાસે બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરને ૨૦૧ વર્ષ પૂર્ણ થતા જીર્ણોધ્ધાર સાથે બનેલ નૂતન મંદિરનો મંગલ ઉદ્દઘાટન સમારોહ એવમ્ દિવ્ય શતાબ્દી મહોત્સવ કાલે તા. ૧૬ ના આયોજીત થયો છે.

સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને પોતાનું એશ્વર્ય પ્રગટ કરીને આણંદ ખાતે વિક્રમ સવંત ૧૮૭૪ ના કાળભૈરવની મૂર્તિમાંથી શ્રી હનુમાનજીની મૂર્તિ પ્રગટ કરી અને તેનું રોકડિયા દેવ નામ પાડીે આણંદની પ્રજાને સુખી કર્યા એવા વિશ્વવિખ્યાત શ્રી રોકડીયા હનુમાનજી મંદિરના ભવ્ય મંદીરનું ઉદઘાટન મહોત્સવ તેમજ આ મંદિરના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો હોયદેશ - વિદેશોમાંથી હજારોની સંખ્યામાં ભકતજનો આણંદ ખાતે ઉમટી પડશે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વચન સિદ્ઘ સંત પૂ. સદગુરુ ધ્યાનીસ્વામીના શિષ્ય એવા અને મંદિરના કોઠારી પૂ. સદગુરુ શાસ્ત્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી તથા સંત મંડળ દ્વારા સંચાલિત આ ભવ્ય મંદિરના ઉદઘાટન સમારોહના પ્રથમ દિવસે આણંદ નગરમાં પોથીયાત્રા યોજવામાં આવી છે. તા. ૧૬ થી ૨૦ પાંચ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં લોક કલ્યાણના સમાજ કલ્યાણના અને આરોગ્ય ક્ષેત્રના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી રામ ચરિત માનસ પંચાન્હ પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧૨.૩૦ અને સાંજે ૩.૩૦ થી ૭ રહેશે. દરરોજ સવારે ૮.૩૦ થી ૯ અને સાંજે ૩ થી ૩.૩૦ કિર્તન ભકિત થશે.

વડતાલ દેશ લક્ષ્મીનારાયણ ગાદીના પીઠાધિપતિ પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિરલ વિભૂતિ સંત પૂ. સદગુરુ શ્રી ધ્યાની સ્વામીની દિવ્ય પ્રેરણાત્મક આશીર્વાદ અને પ્રસન્નતાથી યોજાઇ રહેલા આ મહોત્સવમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ દેવ પ્રકાશ સ્વામી ટેમ્પલ બોર્ડના મુખ્ય કોઠારી શ્રી પરમ પૂજય શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અને વિદ્વાન વકતા એવા કુંડળના પૂ.શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ પૂ.શાસ્ત્રી નોતમપ્રકાશદાસજી સ્વામી, સારસાની સતકેવલ ગુરુગાદીના મહંત આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ તેમજ શ્રી સંતરામ મંદિર ઉમરેઠના મહંત  પૂ.શ્રી ગણેશદાસજી મહારાજ તથા સંપ્રદાયના મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહી આ મહોત્સવને શોભાવશે અને દિવ્ય આશીર્વચન આપશે.

આ મહોત્સવમાં સુંદરકાંડના અખંડ પાઠ, શ્રી સ્વામિનારાયણ મંત્રની અખંડ ધૂન, શ્રી હનુમાન ચાલીસાના અખંડ પાઠ, શ્રીરામ જન્મોત્સવ ,સમૂહ મહાપુજા દિવ્ય શાકોત્સવ દિવ્ય ભવ્ય નગરયાત્રા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ અતિસુંદર માહિતી સાથેનો લાઇટ એન્ડ સાઉન્ડ શો, મણિયારો રાસ, નૃત્ય લેઝિમ, નાટક, પ્રવચનો તેમજ શ્રી ઘનશ્યામ મહારાજ યુવક મંડળના કલાકારો દ્વારા ભકિત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ જેવા અનેક ધાર્મિક અને સામાજીક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે.

આણંદ નગરી ખાતે પાંચ દિવસ સુધી ચાલનારા આ દિવ્ય મહોત્સવમાં શ્રી હનુમાન ચરિત્ર પ્રદર્શન, ત્રિદિનાત્મક મારુતિ યજ્ઞ તેમજ પ્રસાદીને કુવે શ્રી ઠાકોરજીનો અભિષેક અને જે સ્થળોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપમાન થયું હતું તે ઊંડી શેરી પાસે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના ૨૦૧ કિલો ગુલાબની પાંદડીથી અભિષેક તેમજ સંતો મહંતોના પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત છપ્પનભોગ અન્નકોટ મહિલા મંચ કીર્તન ભકિત તથા શાકોત્સવ, નૂતન સાહિત્ય વિમોચન શ્રી હરિ યાગ અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોથી આજની પ્રજાને ધાર્મિક લાભ પ્રાપ્ત થશે.

મંદિરના નિર્માણમાં રાજસ્થાનના કારીગરો દ્વારા એક શિખર બે મોટા ગોળ ઘુમ્મટ, રંગમંચ, પાંચ નાના ગોળ ઘુમ્મટવાળું ૧૨૦ ફૂટ લંબાઇ ૫૦ ફૂટ પહોળાઇ અને ૮૦ ફૂટ ઉચાઈ વાળુ બે માળનું ૫૦૦૦૦ ઘનફૂટ આછા ગુલાબી બંસી પહાડપુર પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. મંદિરના સિંહાસન તથા ગર્ભદ્વાર સુવર્ણ જડિત તેમજ મંદિરના પાંચ મુખ્ય દ્વાર રજત જડિત છે. અઠીયોતેર જેટલા કલાત્મક સ્તંભો, વૈવિધ્યસભર ૮ દરવાજાઓ ૭૪ જેટલા તોરણો ૩૭ જેટલા કળશ ૭૦૦ કરતાં પણ વધારે નાની-મોટી કલાત્મક મૂર્તિઓથી આ મંદિર સજ્જ કરવામાં આવ્યું છે. આગામી રવિવાર ૧૯ ના સાંજે ૭ વાગ્યે આ નૂતન મંદીરનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘઘાટન શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વરિઠ બ્રહ્મનિષ્ઠ સંતોના હસ્તે થશે. એ સાથે તા. ૨૦ ના આ પંચદિનાત્મક મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

(3:40 pm IST)