Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

દરીયાઈ-સરહદો-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધાર્મિક સ્થાનકોની સુરક્ષા બેવડાઈ

વડોદરામાંથી ઝડપાયેલ આતંકવાદી-દિલ્હીના ચાર આતંકવાદી અને જંબુસરમાંથી મળેલી ચોંકાવનારી હકીકતો સંદર્ભે પ્રજાસત્તાક પર્વ સંદર્ભે રાજ્યનું પોલીસ તંત્ર ઉંધામાથે : રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપસિંહ દ્વારા સાગરકાંઠાની સુરક્ષા માટે વિશેષ ટીમોની રચનાઃ પાકિસ્તાનની સરહદ સુધીની ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવા આઈજી સુભાષ ત્રિવેદી ટીમનું બીએસએફ-આઈબી વિગેરે સાથે સંકલનઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મહાનુભાવો પણ સાત કોઠા જેવા સ્કેનર વિંધ્યા વગર ન પહોંચી શકે તેવી અભૂતપૂર્વ વ્યવસ્થા

રાજકોટ, તા. ૧૫ :. વડોદરામાંથી એટીએસ અને વડોદરા પોલીસના સંયુકત ઓપરેશનમાં તામિલનાડુનો આતંકી જફર અને દિલ્હીમાંથી ચાર આતંકી ઝડપાવા સાથે ભરૂચના જંબુસરમાં આતંકી હિલચાલની સાથોસાથ સ્લીપર સેલની રચનાની માહિતીના પગલે પગલે પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ગુજરાતના વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને સ્થળો સાથે સરહદો-દરીયાઈ પટ્ટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા-સોમનાથ જેવા ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા તથા સુરક્ષા સમીક્ષા કરી ધરખમ ફેરફારો કરવામાં આવ્યાનું ટોચના સૂત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ રેન્જ કે જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના દરીયાઈ કાંઠાળા વિસ્તાર તથા દ્વારકા જેવુ જગ પ્રસિદ્ધ મંદિર કે જેના પર આતંકવાદી ડોળો હોવાના લાંબા સમયથી આઈબી ઈનપુટ મળી રહ્યા છે તેવા આ સ્થળ પર કેફી પદાર્થની દરીયાઈ હેરફેરના નામે પાકિસ્તાની જાસૂસ સંસ્થા આઈએસઆઈની વધતી હિલચાલને ધ્યાને લઈ રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ દ્વારા દરીયાઈ સુરક્ષા માટે મરીન પોલીસની સાથોસાથ ખાસ વિશેષ ટીમોની રચના કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ચાલી રહ્યુ છે. દરીયા કિનારા આસપાસના લોકોની વિશેષ ટીમો મુલાકાત લઈ લોકોને જાગૃત કરી રહ્યા છે. જામનગર તથા દ્વારકાના એસપી સાથે સુરક્ષા વ્યવસ્થાની સતત સમીક્ષા રેન્જ ડીઆઈજી દ્વારા કરવામાં આવવા સાથે સતત ફેરફાર થઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ આવા જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ડીઆઈજી મનીન્દ્ર પ્રતાપસિંહ તથા જૂનાગઢ એસપી સૌરભસિંઘે ગોઠવ્યાનું સૂત્રો જણાવે છે.

કચ્છની સંવેદનશીલતા તથા બોર્ડર આસપાસ અને હરામીનાળા સહિતના વિસ્તારોમાં વધતી જતી આતંકી ગતિવિધિઓ ધ્યાને લઈ રાજ્ય સરકારે જેમની કાર્યદક્ષતા ધ્યાને લઈ ખાસ પસંદગી કરી છે તેવા બોર્ડર રેન્જ વડા સુભાષ ત્રિવેદીએ કચ્છ (વેસ્ટ)ના એસપી સૌરભ તોલંબીયા સાથે પાકિસ્તાન સરહદ સુધીની વિઝીટ કરી હતી. બીએસએફ-સ્ટેટ આઈબી-સેન્ટ્રલ આઈબી વિગેરે સાથે સંકલન સાધવા સુભાષ ત્રિવેદીએ ખાસ ટીમોને જવાબદારી સુપ્રત કરી છે. સરહદ નજીકના લોકોને ખાસ તાલીમ આપી શકમંદો જણાય ત્યારે પોલીસને કઈ રીતે જાણ કરવી ? તે માટે ટેલીફોન નંબરો પણ આપવામાં આવ્યાનું સૂત્રો જણાવે છે.

વિશ્વની મોટી અને શ્રેષ્ઠ એવી નર્મદા કિનારે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આતંકવાદીઓની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યાની શંકા આધારે વડોદરા રેન્જ વડા અભયસિંહ ચુડાસમા તથા એસ.પી. હિમકરસિંહ વિગેરે સાથે ચર્ચા કરી કેટલાક ચૂસ્ત નિયમો દાખલ કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વીવીઆઈપી પણ સિકયુરીટી સ્કેનરમાંથી પસાર થયા વગર ન જઈ શકે તેવી તાકીદો આપી છે.

(12:10 pm IST)