Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રિકવરી કરવા સિન્ડિકેટ બેંકે ૧૨૦૦ની ટીમ બનાવી દીધી

સિન્ડિકેટ બેંકની હવે નવતર પહેલ : સિન્ડિકેટ બેંક દ્વારા હોમલોન્સ અને એમએસએમઇ લોન માટે અસરકારક કામગીરી : ઓનલાઇન બહાલી મળશે

અમદાવાદ,તા.૧૫ : દેશની અગ્રણી બેંકોમાંથી એક એવી સિન્ડિકેટ બેંક દ્વારા બેંકના ડિફોલ્ટરો પાસેથી બાકી લ્હેણાંની રિકવરી માટે સ્ટ્રેસ એસેસમેન્ટ વર્ટિકલ કન્સેપ્ટ હેઠળ ૧૨૦૦ કર્મચારીઓ-અધિકારીઓની એક ખાસ ટીમ અને ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે બેંકના ડિફોલ્ટરો પાસેથી બાકી લ્હેણાંની રિકવરી કરશે. આ સાથે જ બેંક દ્વારા હવે કોર્પોરેટ ડિફોલ્ટરોનું ફોરેન્સીક ઓડિટ પણ શરૂ કરાયું છે. સિન્ડિકેટ બેંક દ્વારા સ્ટ્રેસ એસેસમેન્ટ વર્ટિકલ હેઠળ તેની આ નવતર પહેલ અમલમાં મૂકતાં આગામી દિવસોમાં બેંકની એનપીએ અને બાકી લ્હેણાંની અસરકારક રિકવરી થઇ શકશે એમ અત્રે સિન્ડિકેટ બેંકના એકઝીકયુટીવ ડિરેકટર અજયકુમાર ખુરાના અને બેંકના અમદાવાદના રિજિયોનલ મેનેજર બી.એલ.મીનાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ બેંકની સમગ્ર દેશમાં કુલ એનપીએ રૂ.૨૭,૧૦૦ કરોડની છે, જેમાંથી ગુજરાતની એનપીએ રૂ.૫૦૪ કરોડ જેટલું થવા જાય છે. જેના કારણે હવે બેંક દ્વારા આગામી દિવસોમાં ડિફોલ્ટરો પાસેથી રિકવરીની પ્રક્રિયા વધુ ઝડપી અને અસરકારક બનાવાશે. આ માટે બેંકે સ્ટ્રેસ એસેસમેન્ટ વર્ટિકલ કન્સેપ્ટ હેઠળ ૧૨૦૦ કર્મચારી-અધિકારીઓની ટીમ બનાવી છે, જે અલગ-અલગ રીતે અને અલગ-અલગ ગ્રુપમાં કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, બેંકના મોટા ડિફોલ્ટરો ખાસ કરીને કોર્પોરેટ ડિફોલ્ટરો વિરૂધ્ધ હવે બેંક દ્વારા લુક આઉટ નોટિસ જારી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરશે કારણ કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે આ અંગેની સત્તા બેંકોને આપી છે. આ સિવાય બેંક દ્વારા વીલફુલ ડિફોલ્ટરો વિરૂધ્ધ પણ વધુ સખ્તાઇથી કાર્યવાહી કરાશે. સિન્ડિકેટ બેંકના એકઝીકયુટીવ ડિરેકટર અજયકુમાર ખુરાના અને બેંકના અમદાવાદના રિજિયોનલ મેનેજર બી.એલ.મીનાએ જણાવ્યું હતું કે, સિન્ડિકેટ બેંક આગામી દિવસોમા હોમ લોન અને એમએસએમઇ લોનની વધુ ઝડપી અને અસરકારક સુવિધા માટે કટિબધ્ધ છે. આ માટે બેંકે ડિજિટલાઇઝેશન સહિતના ખાસ આયોજનો હાથ ધર્યા છે, જેના કારણે હોમ લોન અને એમએસએમઇ લોન અંગેની મંજૂરી ગ્રાહકોને ઓનલાઇન જ મળી જશે. ગ્રાહકો લોનની તમામ ઔપચારિકતા ઓનલાઇન પૂર્ણ કરી શકશે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી બેંક વધુ ને વધુ એમએસએમઇ લોન આપવા પ્રયત્નશીલ છે. તેમણે એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, સિન્ડિકેટ બેંક મોદીની મહ્ત્વકાંક્ષી જનધન યોજના હેઠળ દેશભરમાં ૪૨ લાખ જેટલા ખાતા ખોલ્યા છે અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આ યોજના હેઠળ આવરી લીધા છે.

(6:05 pm IST)