Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગુજરાતભરમાં અકસ્માતની વણઝાર : ૧૫થી વધુના મોત

બાવળા પાસે ત્રણ કાર અથડાતાં બે મહિલાના મોત : સરખેજ-બાકરોલ હાઇવે પર માર્ગ દુર્ઘટનામાં ત્રણના મોત છોટાઉદેપુરના ઉચાપાણ ખાતે અકસ્માતમાં ચારના મોત

અમદાવાદ,તા.૧૫ : ઊતરાયણના તહેવાર દરમ્યાન એકબાજુ, પતંગોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી ચાલી રહી હતી ત્યારે બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વાહન અકસ્માત અને માર્ગ અકસ્માતના અલગ-અલગ બનાવોમાં પંદરથી વધુના મોત નીપજયા છે, જયારે સંખ્યાબંધ લોકોને ઇજા પણ પહોંચી છે. પાછલા કેટલાક વર્ષોમાં આ પહેલી એવી ઊતરાયણ હશે કે, આટલી મોટી સંખ્યામાં અકસ્માતોની સંખ્યા એટલે વણઝાર નોંધાઇ. અક્સ્માતોને પગલે ભોગ બનનારના પરિજનો સહિત જે તે પંથકોમાં ભારે શોક અને આઘાતનો માહોલ પથરાયો હતો. અમદાવાદ શહેર નજીક બાવળા હાઇવે પર આજે ત્રણ કાર એક પછી એક અથડાતાં જોરદાર ત્રણ કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા, જયારે ૧૧થી વધુ લોકો ઘાયલ થયા હતા. બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થયો હતો. આ જ પ્રકારે સરખેજ-બાકરોલ હાઇવે પર કાર અને એકટીવા વચ્ચે ગઇકાલે થયેલા અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજયા હતા, જેમાં ઘાયલ થયેલા એકટીવાચાલકનું પણ પાછળથી સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આમ, આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યકિતના મોત નીપજયા હતા. તો, છોટાઉદેપુર જિલ્લાના ઉચાપાણ પાસે બે બાઇક સામસામે અથડાતાં ચાર યુવકોના કરૂણ મોત નીપજયા હતા. જેને લઇને સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ જ પ્રકારે દાહોદમાં બાઇક અને છકડા વચ્ચેના અકસ્માતમાં ચાર વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. વડોદરામાં વાઘોડિયા નજીક પાટિયાપુર પાટિયા નજીક પૂરપાટઝડપે આવતી કારે બાઇક પર જઇ રહેલા દંપતિને ટક્કર મારતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આવા જ અન્ય એક બનાવમાં વડોદરાના સંુદરપુરા-શાહપુરા ગામ વચ્ચે વીજપોલ સાથે બાઇક અથડાતાં બે વ્યકિતના મોત નીપજયા હતા. રાજકોટના જેતપુર-નવાગઢ રોડ પર એક કાર ડિવાઇડર પર ચઢી જતાં કારમાં બેઠેલી યુવતીનું કરૂણ મોત નીપજયું હતુ, જયારે કાર ચલાવી રહેલો યુવક ગંભીર રીતે ઘવાયો હતો.

નોંધનીય વાત એ છે કે, આ બંને યુવક-યુવતીની હમણાં જ સગાઇ થઇ હતી. દરમ્યાન હારીજના કુરંજા ગામે એક કાર કેનાલમાં ખાબકતાં દસ જણાંની સ્થાનિક તંત્રએ શોધખોળ આદરી હતી. આ સિવાય પણ રાજયના વિવિધ જિલ્લા-તાલુકા અને આંતરિયાળ વિસ્તારોમાં વાહન અકસ્માત અને માર્ગ અકસ્માતના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા, જેમાં પણ મોત અને ઇજાની ઘટનાઓ સામે આવી હતી. આ બનાવોને પગલે ઊતરાયણનો તહેવાર ભોગ બનનાર લોકોના પરિજનોમાં શોક અને માતમમાં ફેરવાયો હતો.

(6:03 pm IST)