Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વિસનગરમાં નજીવી બાબતે ઠપકો આપતા બે જૂથ વચ્ચે ધીંગાણું: સામસામે હુમલામાં 9ને ગંભીર ઇજા

વિસનગર:શહેરમાં ખેતરમાં લીમડો કાપવા બાબતે ઠપકો આપતા પટેલો અને ઠાકોરોનું જુથ સામસામે આવી ગયું હતું. બન્ને જુથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. ટોળાને વિખેરવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. પથ્થરમારામાં બન્ને પક્ષના 9 વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ થઈ હતી. જોકે પોલીસની દરમિયાનગીરીથી પટેલ અને ઠાકોર સમાજના આગેવાનોને સમજાવ્યા બાદ સમાધાન થતા મામલો શાંત પડયો છે. આ ઘટનાની જાણ થતા મહેસામાના પોલીસ અધિક્ષક સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. 

વિસનગર ફતેહ દરવાજાના વિસ્તારમાં રવિવારે બપોરે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફતેહ દરવાજાના ખેડૂત પટેલ કનુભાઈ વિઠ્ઠલભાઈ ઈશ્વરભાઈના પીંડારીયા તળાવ પાસે આવેલ ખેતરમાં આ વિસ્તારના ભક્તોના ઠાકોરવાસનો એક યુવાન લીમડો કાપતો હતો. ખેડૂત મોબાઈલમાં તેનો ફોટો પાડી યુવાનના ઘરે ઠાકોરવાસમાં ઠપકો આપવા ગયા હતા. ત્યારે ઘર આગળ બેઠેલા યુવાનોએ ખેડૂતને માર માર્યો હતો. સમાજના વ્યક્તિને માર મારતો જોઈ સામે જ મકાનમાં રહેતા અનિલકુમાર લક્ષ્મણભાઈ પટેલ તથા તેમનો પુત્ર જુબીનકુમાર અનીલકુમાર પટેલ છોડાવવા દોડી ગયા હતા. ત્યારબાદ મામલો બીચકતા આ સ્થળે પટેલ અને ઠાકોર સમાજના લોકો નજીકમાં રહેતા હોઈ જોતજોતામાં આ સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. બંને સમાજના જુથ સામસામે આવી જઈ ભારે પથ્થરમારો શરૃ કર્યો હતો.

 

(5:36 pm IST)