Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બોરસદમાં ગેરકાયદે ઈંટોનો જપ્ત થયેલ જથ્થામાંથી 31 લાખ ઈંટ ગાયબ થઇ જતા તજવીજ હાથ ધરાઈ

બોરસદ: તાલુકામાં પરવાનગી વિના ધમધમતા ઇંટ ભઠ્ઠાઓની ગત જુલાઇમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૮ ભઠ્ઠા ગેરકાયદે ચાલતા હોવાનું ધ્યાનમાં આવતા તમામને સીલ કરાયા હતા. જે પૈકી ૧પ ભઠ્ઠા માલિકો પાસેથી દંડ વસૂલી, અરજી-પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ ૩ ભઠ્ઠાને સીલ રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં તંત્ર દ્વારા સીલ કરાયેલ ૩ ભઠ્ઠામાં તપાસ કરતા તેમાં કુલ ૩૪ લાખ ઇંટોમાંથી ૩૧ લાખ ઇંટો ગાયબ થયાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ મામલે તપાસ હાથ ધરીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળે છે. 

પ્રાપ્ત માહિતીમાં ઇંટોના ગેરકાયદે ઉત્પાદનને અટકાવવા તેમજ ગેરકાયદે ઇંટભઠ્ઠાથી ખેતી પાક અને ખેતરની જમીનને થતી અસરોને અટકાવવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આદેશ કરાયો હતો. જેના પગલે ગત જુલાઇ ર૦૧૮માં બોરસદ મામલતદારની ટીમે સમગ્ર તાલુકામાં તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ ૧૮ ભઠ્ઠા ગેરકાયદે હોવાનું જણાતા તમામને સીલ કરાયા હતા. ત્યારબાદ જરુરી દંડ તેમજ પરવાનગી મેળવીને ૧પ ભઠ્ઠા કાર્યરત કરાયા હતા. પરંતુ ૩ ભઠ્ઠાના માલિકો દ્વારા દંડ કે પરવાનગી મેળવવા કોઇ કાર્યવાહી ન કરતા ભઠ્ઠા સીલ રખાયા હતા. તે સમયે ત્રણેય ભઠ્ઠામાં થઇને કુલ ૩૪ લાખ ઇંટોનો જથ્થો હતો. 

(5:33 pm IST)