Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મહુધાના મુલજમાં ખેતરમાં વાડ કરતા મજૂરોને ધમકી આપી જીવલેણ હુમલો: એકની હાલત ગંભીર

મહુધા: તાલુકાના મૂલજ સીમમાં ખેતરમાં તારની વાડ કરતા મજૂરોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં છ ઈસમો સામે મહુધા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના મૂલજ ગામમાં રહેતા શાંતાબેન કાનાજી ઝાલાની ગામની સીમમાં સર્વે નં. ૧૭ તથા ૧૯ વાળી જમીન આવેલ છે. શાંતાબેન ઝાલાના કહેવાથી તેમની જમીનમાં વિક્રમભાઈ નવનીતભાઈ પરમાર મજૂરોને સાથે રાખી ગઈકાલે જમીન ફરતે તારની વાડ ફેન્સીંગનું કામ કરતા હતા ત્યારે રાયસીંગભાઈ વાઘેલા, વિક્રમભાઈ ઉર્ફે ટીનો રાયસીંગભાઈ વાઘેલા, રતનભાઈ તથા કોમલબેન હાથમાં ભાલા-ધારિયા જેવા મારક હથિયારો સાથે ધસી આવી તારની વાડ કરતા વિક્રમભાઈને ગમે તેમ ગાળો બોલી અહીં તારની વાડ કેમ કરો છો કહી વિક્રમભાઈને ભાલો મારવા જતા તેઓ ખસી જતા ઈસ્માઈલભાઈ બચાવવા જતા તેમને જમણા હાથના બાવળાના ભાગે ઈજા થઈ હતી. આ ઝઘડો થતા મુનીરમીયાં છોડાવવા વચ્ચે પડ્યા હતા ત્યારે વિક્રમભાઈ ઉર્ફે ટીનો રાયસીંગભાઈ વાઘેલાએ ધારીયું મારતા મુનીરમીયાને જીવલેણ ઈજા થઈ હતી. આ ઝઘડામાં રતનભાઈ ઉર્ફે લાલો રાયસીંગભાઈ વાઘેલા તથા કોમલબેન રાયસીંગભાઈ વાઘેલાએ ધારીયા તેમજ લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અતુલભાઈ શાહ તથા મુન્નાભાઈ (રે. અમદાવાદ)એ વાડ કરતા શ્રમજીવીઓને ગમે તેમ ગાળો બોલી ખેતરમાંથી નીકળી જાવ કહી ધાકધમકી આપી વિક્રમભાઈ તથા મુુનીરમીયાંને ધારીયું મારી જીવલેણ ઈજા કરી હતી. આ અંગે વિક્રમભાઈ નવનીતભાઈ પરમારની ફરિયાદ આધારે મહુધા પોલીસે રાયસીંગભાઈ વાઘેલા, વિક્રમભાઈ ઉર્ફે ટીનો રાયસીંગભાઈ વાઘેલા, રતનભાઈ ઉર્ફે લાલો રાયસીંગભાઈ વાઘેલા, કોમલબેન રાયસીંગભાઈ વાઘેલા (તમામ રે. મૂલજ) તથા અતુલભાઈ શાહ તેમજ મુન્નાભાઈ (રે. અમદાવાદ) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:30 pm IST)