Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગાંધી મૂલ્યો ઉજાગર કરવા કાલથી મનસુખ માંડવિયાની પદયાત્રા

ગાંધીજીના ૧પ૦માં જન્મ જયંતી વર્ષ નિમિતે યાત્રા ૧પ૦ કિ. મી.નો રૂટ, ૧પ૦ ગામડાઓની ભાગીદારી : અઠવાડીયામાં ૧૧ મહાવ્રત સભા થશે લોકોને ગાંધી માર્ગે ચાલવા શપથ લેવડાવાશે : તળાજાના મણારથી યાત્રા પ્રારંભ, સણોસરામાં સમાપન

અમદાવાદ, તા. ૧પઃ ભારત સરકાર દ્વારા સદીના મહામાનવ રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના ૧પ૦માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહેલ છે. પૂજય બાપુને સ્મરણાંજલી અર્પવા સમગ્ર દેશ-દુનિયામાં જુદા જુદા સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો પણ વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે.

પૂજય બાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી ભાવનગર જીલ્લાના તળાજા, પાલીતાણા અને સિહોર તાલુકામાંથી પસાર થતી એક 'ગાંધીમૂલ્યોના માર્ગે પદયાત્રા'નું આયોજન કરવામાં આવેલ છે. કાલે તા. ૧૬ થી તા. રર સુધી ચાલનાર ૧પ૦ કિ.મી. લંબાઇની આ પદયાત્રા ૩પ ગામોમાંથી પસાર થશે. આ પદયાત્રાને હેતુલક્ષી બનાવવા પદયાત્રાના આયોજનમાં ત્રણ પાસાને વણી લીધેલા.

(૧) ગાંધી ૧પ૦ની ઉજવણી માટે ૧પ૦ કિ.મી. લાંબી પદયાત્રા, ૧પ૦ કાયમી પદયાત્રીઓ, ૧પ૦ ગામડાઓની ભાગીદારી અને ૧પ૦ જેટલી ગાંધી વિચારોથી ચાલતી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને આ પદયાત્રામાં જોડેલ છે.

(ર) પૂજય બાપુએ કહ્યું છે તેમ, 'બુનિયાદી શિક્ષણ પદ્ધતિએ માનવજાતને મારા જીવનની અંતિમ અને અમૂલ્ય દેન છે.' આ પદયાત્રાનો માર્ગ પણ આવી જ બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓને જોડીને નિયત કરવામાં આવેલ છે.

(૩) આ પદયાત્રાનું ત્રીજુ અને મહત્વનું પાસુ છે. પૂજય બાપુએ આપેલ '૧૧ મહાવ્રત' આ સમગ્ર પદયાત્રા દરમિયાન ૧૧ મહાવ્રતો પર મહાવ્રત સભાનું આયોજન થયેલ હતું. જેમાં પૂજય બાપુએ બતાવેલા મહાવ્રતો અને વર્તમાન સમયમાં તેની ઉપયોગીતા પર ગહન ચિંતન અને મનન કરવામાં આવ્યું છે.

આમ, ૧૫૦માં જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ પદયાત્રામાં ગાંધીમુલ્યો અને ગાંધીજીના ઉત્તમ પ્રદાન એવા બુનિયાદી શિક્ષણથી નવી પેઢીને રૂબરૂ થવાનો અનેરો અવસર પ્રાપ્ત થશે.

પદયાત્રાના ગામોમાં એનએસએસના વિદ્યાર્થીઓએ એક અઠવાડિયા પહેલા કેમ્પ લગાવી એક ઉત્સવનો માહોલ હોય તેવી રીતે કામ કરી રહ્યા છે. પદયાત્રા માર્ગ પરના ૩૫ તથા તેની આજુબાજુના ગામો મળી કુલ ૧૫૦ જેટલા ગામોમાં એક અઠવાડિયા સુધી વિવિધ રચનાત્મક અને સામાજિક સુધારણાના કાર્યક્રમો થઇ રહ્યા છે. ગામમાં સફાઇ, ભીંતચિત્રો, આધુનિક કૃષિ શિબિર, યોગ શિબિર, શાળામાં વિવિધ હરીફાઇ, ગાંધી સાહિત્ય અને ચિત્રોનું પ્રદર્શન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, જેવા અનેકવિધ કાર્યક્રમના માધ્યમથી નાગરિકો પૂજય બાપુને કાર્યાંજલિ પાઠવી રહ્યાં છે.

આ પદયાત્રામાં એક નવીન પ્રકારનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. પદયાત્રા જે ગામમાંથી પસાર થાય તે ગામમાં મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગે ચાલવાના શપથ લેવડાવવામાં આવશે. તેની સાથે જ પદયાત્રા જે ગામોમાંથી પસાર થઇ ત્યાં ગ્રામ્ય કારીગરો, સૈનિક પરિવારો અને સૌથી વધુ ભણેલ દીકરીનું સન્માન કરવામાં આવનાર છે.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે કે, ''સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં યુવાનો પદયાત્રાના પોર્ટ પર નામ નોંધાવી રહ્યાં છે. મહાત્મા ગાંધીને કાર્યાંજલિ અર્પવા અબાલ-વૃદ્ધો સૌ રાત દિવસ જોયા વગર કામે લાગી ગયા છે તથા આ વિસ્તારમાં એક ઉત્સવનો માહોલ છે. ગાંધીમૂલ્યોને ઉજાગર કરવા માટે પદયાત્રા નિમિત્ત બનશે.''

પદયાત્રામાં દરરોજ બે મહાવ્રત સભાનું આયોજન થશે તથા રોજ રાત્રીના ડાયરાનું પણ આયોજન થનાર છે. આ ઉપરાંત સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાજ્યની કલાસંસ્થા દ્વારા કઠપુતળી કાર્યક્રમ, ભવાઇ, શેરી નાટકો, તુરી બારોટના કાર્યક્રમો વગેરેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ એ ગાંધીમૂલ્યોની અનૂભૂતિ કરવાની ઉત્તમ તક છે. તેમ શ્રી માંડવિયાનું કહેવું છે.(૮.૧૮)

(3:23 pm IST)