Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

બિન સચિવાલય પરીક્ષા રદ થશે કે કેમ તેને લઈ ચર્ચાઓ

એફએસએલનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યોઃ પેપર લીકના પુરાવા તેમજ સીસીટીવી ફુટેજ સાચા હોવાનું રિપોર્ટમાં ખુલાસો કરાયો : મુખ્યમંત્રી અંતિમ નિર્ણય કરશે

અમદાવાદ, તા. ૧૪ : બિન સચિવાલય પરીક્ષાને લઈને વિવાદ અકબંધ રહ્યો છે. હાલમાં જ કરવામાં આવેલી તપાસમાં હવે એવી વિગત ખુલી છે કે, પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફુટેજ સાચા છે. આવી સ્થિતિમાં પરીક્ષા રદ થશે તેને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. સીટના રિપોર્ટના આધારે પરીક્ષા રદ કરવાનો અંતીમ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર છોડી દેવામાં આવ્યો છે. એફએસએલ રિપોર્ટમાં આંદોલન કારી અને વિદ્યાર્થીએ આપેલા પુરાવા યોગ્ય દેખાઈ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૧૭ નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી સીટને આજે ૧૦ દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા એફએસએલ રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ્દ થઈ શકે છે. હવે સીટના રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો છે. આ અંગે સોમવારે મોટી જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે મળેલી મહત્વની બેઠકમાં એફએસએલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

                    જેમાં પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફુટેજીસ સાચા હોવાની વાત સામે આવતાં સરકારની મુશ્કેલી વધી છે તો સાથે ગૌણ સેવા પસંદગી મંડળ પર હવે વધુ માછલા ધોવાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિ પ્રકરણમાં અગાઉ તા.૪ ડિસેમ્બરના રોજ પરીક્ષાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું. જેને પગલે રાજ્ય સરકારે તા.૫ ડિસેમ્બરના રોજ સીટની રચના કરી ૧૦ દિવસમાં રિપોર્ટ આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા સરકારે રચેલી સીટ સમક્ષ ઉમેદવારો વતી ચારેય આગેવાનોની બે વખત બેઠક મળી હતી. જેમાં આંદોલનકારીઓએ પેપરલીકના તેમજ ગેરરીતિના પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમજ પુરાવારૂપે આપેલા મોબાઈલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓ તરફથી રજૂ કરાયેલા પુરાવાઓને સમર્થન પ્રાપ્ત થયુ હતુ અને તે સાચા હોવાનો મહત્વનો ખુલાસો એફએસએલ રિપોર્ટમાં થયો હતો. હવે સીટના રિપોર્ટ બાદ પરીક્ષા રદ કરવી કે કેમ તેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો છે, જેથી આ મામલે એકાદ બે દિવસમાં સરકાર દ્વારા મહત્વની જાહેરાત થઇ શકે છે. જો કે, ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને ગેરરીતિના સીસીટીવી ફુટેજીસ સાચા હોવાનું સામે આવતાં વિપક્ષ કોંગ્રેસ પણ તેની લડતને જોરદાર સફળતા મળી હોઇ ગેલમાં આવી ગયું છે, હવે કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ભાજપ સરકાર પર આ સમગ્ર મામલે પ્રહારો કરી ઘેરો ઘાલવાનો પ્રયાસ થાય તેવી પૂરી શકયતા છે.

(9:43 pm IST)