Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પવિત્ર ધનુર્માસ દરમ્યાન ગાયત્રી યજ્ઞનું આયોજન

ગાયત્રી પરિવાર દ્વારા આયોજન

અમદાવાદ, તા.૧૪ : પવિત્ર ધનુર્માસ દરમ્યાન રાષ્ટ્રના ઉધ્ધાર, સમાજ કલ્યાણ અને વિશ્વ શાંતિના ઉમદા હેતુ સાથે શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક સ્થિત સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી એક મહિના સુધી ભીડભંજન હનુમાનજી મંદિર પ્રાંગણમાં ગાયત્રી યજ્ઞની ધૂણી ધખાવાશે, જેમાં સેંકડો શ્રધ્ધાળુ ભકતો ઉમટશે અને યજ્ઞમાં આહુતિ આપી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે એમ ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન ભીડભંજન હનુમાનજી દાદાના આશીર્વાદથી વિવિધ યજ્ઞ, ઉત્સવ સહિતના ભકિતસભર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. પવિત્ર ધનુર્માસ દરમ્યાન સતત એક મહિના સુધી ભવ્ય ગાયત્રી યજ્ઞનું ગાયત્રી પરિવાર અને ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગે લેવા આવનાર દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુ ભકતોને યજ્ઞમાં આહુતિ આપવાની અને દર્શનની તક મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે તા.૧૫-૧૨-૨૦૧૯થી તા.૧૩-૧-૨૦૨૦ સુધી એક મહિના સુધી દરરોજ સવારે ૮-૦૦થી ૧૦-૩૦ દરમ્યાન પવિત્ર ગાયત્રી યજ્ઞ ચાલશે. જેમાં સેંકડો શ્રધ્ધાળુઓ ભાગ લે તેવી શકયતા છે.

            મંદિર ટ્રસ્ટ તરફથી યજ્ઞમાં ભાગ લેવા આવનાર કે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓને કોઇ તકલીફ ના પડે તે માટેની પણ ખાસ તકેદારી લેવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે, ધનુર્માસ અતિ પવિત્ર અને ચમત્કારિક માસ હોવાથી શાસ્ત્રોમાં પણ તેનું અનોખુ મહાત્મ્ય વર્ણવાયેલું છે ત્યારે આ ભવ્ય ગાયત્રી યજ્ઞ નિશુલ્ક રાખવામાં આવ્યો છે, તેથી શ્રધ્ધાળુ ભકતોને તેનો મહત્તમ લાભ લેવા ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે અનુરોધ કર્યો હતો. સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ સાથે આયોજિત આ ભવ્ય ગાયત્રી યજ્ઞનો લાભ લઇ પવિત્ર ધનુર્માસમાં દુર્લભ પુણ્યફળ પ્રાપ્ત કરવાનો આ ધાર્મિક અવસર છે., તેથી મહત્તમ શ્રધ્ધાળુઓએ તેનો લાભ લેવો જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.

(9:33 pm IST)