Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સ્કૂલ બસનો ડ્રાઈવર નશામાં બસ ચલાવતો અંતે ઝડપાયો

ડ્રાઇવરોને આકરી સજા કરવા માટેની માંગ : પોલીસ સ્ટેશને લઈ જવાતાં નશામાં હોવાની વિગત ખુલીે

અમદાવાદ, તા.૧૪ :    સુરત કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં બસના ડ્રાઈવરને ખટોદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે, સ્થાનિક વાલીઓ અને સુરતવાસીઓમાં દારૂ પીને સ્કૂલ બસ ચલાવી બાળકોના જીવ સાથે ખેલ ખેલતાં આવા દારૂડિયા ડ્રાઇવરો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરી સજા કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સ્થાનિક કારચાલક પ્રદીપ નાનાભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, લગભગ પોણાબાર વાગ્યા આસપાસ તેઓ સુરતના કેનાલ રોડ પરથી કાર લઈને જઈ રહ્યા હતા આ દરમ્યાન કેનાલ રોડ પર સોસિયો સર્કલ પહેલા નહેર પર આવેલી સિવિલ ચાર રસ્તા પરની યુનિક હોસ્પિટલ અગાઉ કારને અડફેટે લેવા સ્કૂલ બસ(જીજે ૦૫ બીઝેડ ૪૪૧૧)ના ચાલકે પ્રયાસ કર્યો હતો.

                એ પછી પણ તેનું ડ્રાઇવીંગ ગંભીર અને જોખમી જણાતાં બસને ઉભી રખાવીને ડ્રાઈવરને બસમાંથી નીચે ઉતારી તેઓ વાત કરી રહ્યાં હતાં. ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં. હોબાળો મચી જતાં ૧૦૦નંબર પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. સ્કૂલ બસમાં જઈ રહેલા રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે,આજે સ્કૂલ બસ રફ ચાલતી હતી.

            અગાઉ પણ એક બે એક્સિડન્ટ થતાં તેઓની બસ બચી ગઈ હતી. એક છોકરી સાથે બસ અથડાઈ તેમ હતી. બીઆરટીએસ રૂટમાં પણ બસ ચલાવી હતી. આજે ડ્રાઈવરમાંથી દારૂની સ્મેલ પણ આવી રહી હતી. રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીની સ્કૂલ બસના કોન્ટ્રાક્ટર સમીરભાઈ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બહુ ગંભીર બાબત સામે આવી છે. સ્કૂલમાંથી બસ ડ્રાઈવરને સોંપતી વખતે સુપરવાઈઝર આલ્કોહોલ ડિટેક્ટર મશીનથી સૌ પ્રથમ ચેક કરીને જ બસ આપે છે. ચારેક મહિનાથી નોકરી પર લાગેલા દિલીપ નામના ડ્રાઈવરે રસ્તામાં ક્યાંક નશો કર્યો હોઇ શકે. અમે હવે આ ડ્રાઈવરને છૂટો કરી દઈશું સાથે જ ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ બનાવ ન બને તે માટે રસ્તામાં પણ ચેકીંગ કરીશું. જો કે, આ બનાવ બાદ સ્થાનિક વાલીઓ અને નાગરિકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.

(8:50 pm IST)