Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

લાંભા પાસે ૩૨.૮૩ લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં દારૂની હેરફેર વધી : જપ્ત થયેલ કન્ટેનરમાંથી પાર્ટી સ્પેશિયલ માર્કાની ૮૨૦૮ બોટલ સાથે ૬૮૪ પેટી ઝડપાઇ : કન્ટેનરનો ડ્રાઇવ ફરાર

અમદાવાદ, તા.૧૪ :     તા.૩૧મી ડિસેમ્બરને આડે હવે ૧૫ દિવસ જ બાકી રહ્યા હોવાથી શહેરમાં દારૂની હેરાફેરી વધવા લાગી છે. આજે એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલથી કમોડ સર્કલ વચ્ચે લાંભા કટ નજીકથી રૂ. ૩૨ લાખ ૮૩ હજાર ૨૦૦ની કિંમતનો ૬૮૪ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે કન્ટેનર સહિત રૂ. રૂ.૪૭ લાખ ૮૩ હજાર ૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઇ શહેરમાં દારૂની હેરાફેરી વધતાં પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે અને સતત ચાંપતી નજર રાખી રહી છે. એલસીબી લાંભા ગામની સીમ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમ્યાન ફોર વ્હીલ ગાડી તથા કોમર્શીયલ ટેમ્પો ચેક કરતા હતા ત્યારે અસલાલી સર્કલ તરફથી એક કન્ટેનર ટેમ્પાની પાછળ આવીને ઉભું રહ્યું અને પોલીસ ચેકીંગની જાણ થતા ડ્રાઈવર કન્ટેનર છોડીને ભાગવા લાગ્યો હતો.

               જેથી એલસીબીએ તેનો પીછો કર્યો પણ તે હાથમાં આવ્યો નહોતો. ત્યારબાદ એલસીબીએ કન્ટેનરનું લોક તોડી તપાસ કરતા કન્ટેનરમાંથી પાર્ટી સ્પેશિયલ માર્કાની ૭૫૦ મિ.લી.ની ૮૨૦૮ બોટલ સાથે ૬૮૪ પેટી ઝડપી લીધી હતી. જેની કિંમત રૂ. ૩૨ લાખ ૮૩ હજાર ૨૦૦ જેટલી આંકવામાં આવી હતી. જ્યારે કન્ટેનરની કિંમત રૂ.૧૫ લાખ અને રૂ.૫૦૦નો મોબાઈલ મળી પોલીસે કુલ રૂ.૪૭ લાખ ૮૩ હજાર ૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ કન્ટેનર(એચઆર૩૮કયુ ૪૦૬૫)ના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાંથી છેલ્લા બે વર્ષમાં રૂ.૨૫ કરોડ ૮ લાખ ૬૮ હજાર ૫૧૯ની કિંમતની ૮ લાખ ૩૯ હજાર વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. જ્યારે રૂ.૪૭ લાખ ૪૯ હજાર ૨૦ની કિંમતના ૨ લાખ ૩૭ હજાર ૪૫૧ લિટર દેશી દારૂ ઝડપાવા સાથે અમદાવાદ પ્રથમ નંબર પર હોવાની વાત પણ તાજેતરમાં વિધાનસભા ગૃહમાં સામે આવી હતી. જેને લઇ વિપક્ષ કોંગ્રેસે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ રહેતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

(8:48 pm IST)