Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

નજીવી બાબતે દાણા સીમમાં યુવકે જંતુનાશક દવા ગટગટાવી

કપડવંજ :  દાણા સીમ વિસ્તારમાં રહેતાં એક યુવાને તેના ખેતપાડોશી સાથે થયેલ ઝઘડાથી કંટાળી તુવેરમાં છાંટવાની દવા ગટગટાવી જિંદગી ટુંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ તબીયત લથડતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં ઈસમનો બચાવ થયો હતો. બનાવ અંગે કપડવંજ ટાઉનપોલીસે ફરિયાદ લઈ નજીવી બાબતે ઝઘડો કરનાર ખેતપાડોશી દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંગે મળતી માહિતી મુજબ કપડવંજ નજીક દાણા સીમ વિસ્તારમાં રહેતાં નરેશભાઈ રમતુભાઈ દેવીપૂજક ગત બુધવારના રોજ તેમના ખેતરમાં ગયાં હતાં. અને શેઢા પરના ઝાડ ઉપરથી પાલો પાડતાં હતાં. તે વખતે નજીકમાં રહેતાં વિષ્ણુભાઈ શંકરભાઈ દેવીપુજક અને તેમના પત્નિ સુમિત્રાબેન ધારીયું લઈ ત્યાં આવી ચડ્યાં હતાં. અને તુ પાલો કેમ પાડે છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં. બંને વચ્ચે તુતુ...મેમે... થતાં વિષ્ણુભાઈ અને તેમના પત્નિ સુમિત્રાબેને ગમેેતેમ અપશબ્દો બોલી નરેશભાઈ સાથે ખેંચતાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. જે બાદ નરેશભાઈ પણ પોતાના ઘરે જતાં રહ્યાં હતાં. જો કે ઝઘડાને લઈ લાગી આવતાં નરેશભાઈ પરત ખેતરમાં જઈ તુવેરમાં છાંટવાની દવા પી લઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. દવાની આડઅસર શરૂ થતાં નરેશભાઈ ઊલટીઓ કરવા લાગ્યાં હતાં. આની જાણ તેમના પત્નિ સીતાબેન તેમજ પુત્રને થતાં તેઓ તાત્કાલિક ખેતરમાં આવી જઈ ગંભીર હાલતમાં સપડાયેલા નરેશભાઈને સારવાર માટે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે વાત્રક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર બાદ રિકવરી આવતાં નરેશભાઈ રમતુભાઈ દેવીપૂજકે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં વિષ્ણુભાઈ શંકરભાઈ દેવીપૂજક અને સુમિત્રાબેન વિષ્ણુભાઈ દેવીપૂજક વિરૂધ્ધ ફરિયાદ આપી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:51 pm IST)