Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કાલે ‘સીટ'ની મુદત પૂરી, હજુ અહેવાલ તૈયાર થતા વાર લાગશે : ફરી ઉમેદવારોના આંદોલનના ભણકારા

બિનસચિવાલય કલાર્કની પરીક્ષાના મુદ્દે સરકાર બરાબરની ભીસમાં

રાજકોટ તા. ૧૪ :.. ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય કલાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપ થતા સરકારે અગ્રસચિવ કમલ દયાનીની અધ્‍યક્ષતામાં સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરી છે. જેમાં સભા પદે પોલીસ અધિકારી મનોજ શશીધર, મયંકસિંહ ચાવડા અને અધિક સચિવ જવલંત ત્રિવેદી છે. સરકારે ગઇ તા. પ મીએ સીટની રચના જાહેર કરેલ. આંદોલન સ્‍થગિત કરાવવા ૧૦ દિવસની મુદત આપી હતી. તા. ૬ થી પ્રથમ દિવસ ગણતા આવતીકાલે તા. ૧પ મીએ ૧૦ દિવસ પુરા થાય છે. સમિતિનો અહેવાલ સરકારને સુપ્રત થવામાં હજુ ચાર-પાંચ દિવસ લાગશે તેમ સરકારી સુત્રો કહે છે. બીજી તરફ આંદોલનકાર નેતાએ સરકાર  સોમવારે નિર્ણય જાહેર ન કરે તો ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારી છે. સરકાર સમગ્ર પરીક્ષા રદ કરે છે કે દોષિત મનાતા અમૂક સામે જ  પગલા ભરે છે ? તે જોવાનું રહ્યું.

૧૦ દિવસની મુદ્દત પૂર્ણ થાય છે. તે પહેલા ફાઇનલ તપાસ રિપોર્ટ તૈયાર કરવા SIT ની બેઠક છે ત્‍યારે જો સરકાર પરીક્ષા રદ નહી કરે તો ફરીથી આંદોલન કરવાની ચિમકી યુવરાજસિંહ જાડેજાએ ઉચ્‍ચારી છે. સરકારે રચેલી સીટ સમક્ષ ઉમેદવારો વતી ચારેય આગેવાનોની બે વખત બેઠક મળી હતી. જેમાં પરીક્ષા કેન્‍દ્રો ઉપર ઉમેદવારોને સીલબંધ કવરમાંથી પેપરની વહેંચણી થાય તે પહેલા સવારે ૧૧.૦૬ કલાકે પેપર લીક થયાના પુરાવા સાથે અનેક ઉમેદવારોના મોબાઇલ સોંપવામાં આવ્‍યા હતા. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે SIT સમક્ષ તમામ પુરાવાઓ આપીને અમે પુરવાર કર્યુ છે કે પેપર લીક થયુ છે. પોલીસ, FSL, સાઇબરની ટીમ પણ મોબાઇલમાં પેપર લીક થયાનું સ્‍વીકારે છે. પેપર લીક, ચોરીઓ સંદર્ભે રિપોર્ટ તૈયાર કરવા આજે SITની બેઠક મળનારી છે. જેના આધારે સરકારે સોમવારે નિર્ણય લેવાનો થાય છે. અમારી માંગણી છે કે, સરકાર આગળ તપાસ ચાલુ રાખી, દોષિતને શોધે પણ એ પહેલા પેપર લીક થયાનું સ્‍વીકારીને પરીક્ષા રદ કરે. જો તેમ નહી થાય તો ફરીથી આંદોલન કરીશું.

 

(4:26 pm IST)