Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

શિયાળામાં ડ્રાયફ્રૂડ્સની માગમાં ૩૦%નો વધારો

ઓકટોબરથી જાન્યુઆરી સુધી સૂકામેવાની માગ પીક પર : નવરાત્રિ, દિવાળી, શિયાળામાં માગ વધુ

અમદાવાદ, તા. ૧૪ : આરોગ્યવર્ધક ઋતુ શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. શહેરના તમામ પાર્ક અને વોકિંગ ટ્રેક સવારે મોનિંગ વોક કરનારા શહેરીજનોથી ઉભરાઇ રહ્યા છે. લોકોએ ચાલવાનું, દોડવાનું અને હળવી કસરતો કરવાનું શરૂ કરી દીધું છે. આ તો થઇ વાત કસરતની. હેલ્થ કોન્શિયમ લોકોએ કરસત સાથે શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ અને વસાણા ખાવાનું શરૂ કરી દીધું છે. શિયાળાને કારણે અમદાવાદમાં ડ્રાયફ્રૂટ્સની માગમાં ૩૦ ટકાથી વધુનો વધારો થયો હોવાનું ડ્રાયફ્રૂટ્સના વેપારીઓ જણાવી રહ્યા છે.

અમદાવાદ નવા માધવપુરા વેપારી મહાજનના પૂર્વ સેક્રેટરી અને ડ્રાયફ્રૂટ્સના વેપારી કૌેશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન ડ્રાયફ્રૂટ્સની માગ ઓકટોબરથી જાન્યુઆરી સુધી વધુ રહેતી હોય છે. ખાસ કરીને નવરાત્રીની શરૂઆતથી લોકો ડ્રાયફ્રૂટ્સ ખરીદતા હોય છે. દિવાળીમાં મીઠાઇઓ બનાવવા અને ગીફટ પેકમાં ડ્રાયફ્રૂટ્સનો મહત્તમ ઉપયોગ થાય છે. હાલ લોકો વધુ હેલ્થ કોન્શિયસ થઇ ગયા છે. ડ્રાયફ્રૂટસ ખાવાના ફાયદા અંગે સોશિયલ મીડિયા પર પણ ખાસ્સા મેસેજ અને વીડીઓ વહેતા થતા હોય છે. તેથી જ લોકો કાજુ, બદામ, અંજીર, અખરોટ, પિસ્તા સહિતના ડ્રાફ્રૂટ્સ ખાઇ રહ્યા છે. અમદાવાદના બજારોમાં ડ્રાયફ્રૂટ્સની માગ લગભગ ત્રીસેક ટકા વધી છે. પહેલાના જમાનામાં ગૌરી વ્રત કે અન્ય ચોક્કસ પ્રસંગે જ ડ્રાયફ્રૂટ્સની માગ રહેતી હતી, હવે જમાનો બદલાતા લોકો ડાયટ પર ખાસ ધ્યાન રાખતા હોવાથી ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ વધ્યો છે.

(3:27 pm IST)