Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ગુજરાતમાં ઠંડીનો જોરદાર ધ્રુજારો રહ્યો : નલિયામાં પારો ઘટીને ૫.૮

રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૧ ડિગ્રીથી પણ નીચે પહોંચ્યો : જોરદાર ઠંડીના ચમકારાથી જનજીવન પર અસર : અમદાવાદમાં ઠંડા પવનો ફુંકાતા પારો ઘટીને ૧૧.૪ : લોકો દિવસ દરમિયાન ગરમ વસ્ત્રોમાં સુસજ્જ

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં હવે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન જોરદાર ગગડીને ૫.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું. ઠંડીના તીવ્ર ચમકારાના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા હતા. સૌથી વધારે નલિયામાં અનુભવતા જનજીવન ઉપર પણ માઠી અસર થઇ હતી. બીજી બાજુ અમદાવાદમાં પણ પારો જોરદારરીતે ગગડ્યો હતો અને પારો ૧૧.૪ સુધી પહોંચ્યો હતો. ડિસામાં લઘુત્તમ તાપમાન ૧૦.૧, કંડલા એરપોર્ટ ખાતે લઘુત્તમ તાપમાન ૧૧, સુરેન્દ્રનગરમાં ૧૧.૮ અને વલસાડમાં ૧૧.૧ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જેથી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા. સૌથી વધુ પારો નલિયામાં ગગડ્યો હતો. આજે અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે.  હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી.

જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. વરસાદ પણ પડ્યો છે. હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૪ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૧.૧

ડિસા............................................................ ૧૦.૧

ગાંધીનગર...................................................... ૧૩

વીવીનગર................................................... ૧૨.૪

વડોદરા....................................................... ૧૩.૨

સુરત........................................................... ૧૬.૬

વલસાડ....................................................... ૧૧.૧

અમરેલી...................................................... ૧૩.૮

રાજકોટ........................................................... ૧૧

સુરેન્દ્રનગર.................................................. ૧૧.૮

મહુવા.......................................................... ૧૫.૧

ભુજ............................................................. ૧૨.૪

નલિયા........................................................... ૫.૮

કંડલા પોર્ટ................................................... ૧૪.૯

કંડલા એરપોર્ટ  ૧૧

(8:47 pm IST)