Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પોતાની જમીન આપનારા ૨૭ ખેડૂતોને સરકાર દ્વારા ૨૩ કરોડની ચૂકવણી

સુરત: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પોતાની જમીન આપનારા સુરતના 27 ખેડૂતોને ગુરુવારે સરકાર દ્વારા 23 કરોડ રુપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. તમામ ખેડૂતોને વકટાણા ગામે બોલાવાયા હતા, જ્યાં એક કાર્યક્રર્મમાં વળતરની રકમ તેમના બેંક અકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી.

અન્ય ખેડૂતોએ પણ તૈયારી બતાવી

સુરતમાં બુલેટ ટ્રેન માટે ખેડૂતોની 25,440 ચોરસ મીટર જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. જમીનના બદલે વળતર પ્રાપ્ત કરનારા 17 ખેડૂતો વકટાણા ગામના, બે ગોજા જ્યારે આઠ બોનાંદ ગામના રહેવાસી છે. સુરત જિલ્લા કલેક્ટરની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં અંત્રોલી ગામના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ બુલેટ માટે પોતાની જમીન આપવાની તૈયારી દર્શાવી હતી.

ખેડૂતો સામેથી તૈયાર થયા

સુરત કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, વકટાણા ગામે સોમવારે એક કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન આપવાની તૈયારી બતાવી હતી. અધિકારીઓએ ત્યારબાદ જમીન અંગેની તમામ માહિતી એકત્ર કરી હતી, અને ખેડૂતોના બેંક અકાઉન્ટ નંબર પણ લીધા હતા.

25,440 ચો.મી. જમીનનું સંપાદન

ગુરુવારે ખેડૂતોને તેમની 25,440 ચોરસ મીટર જમીનની 80 ટકા રકમ એટલે કે 23 કરોડ રુપિયા ચૂકવવામાં આવ્યા હતા. વળતર જમીનની બજાર કિંમતના આધારે ચૂકવવામાં આવ્યું છે, અને વળતરની રકમ જોતા આસપાસના ગામોના ખેડૂતોએ પણ જમીન આપવામાં રસ બતાવ્યો છે.

વળતરથી ખેડૂતો ખુશ: કલેક્ટર

કલેક્ટરના જણાવ્યા અનુસાર, જમીનના બદલામાં મળેલી રકમથી ખેડૂતો ખુશ છે, અને આગામી દિવસોમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અન્ય ગામોમાં પણ આવા કેમ્પ કરી બુલેટ માટે જમીન મેળવવા ખેડૂતોની સહમતિ મેળવવામાં આવશે, અને ખેડૂતોને તે અનુસાર વળતર ચૂકવાશે.

1200 જેટલા ખેડૂતો કોર્ટમાં ગયા છે

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો બુલેટ ટ્રેન માટે થઈ રહેલા જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. કેટલાકે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે. હાલ હાઈકોર્ટમાં 1200 ખેડૂતોએ એફિડેવિટ કરી છે. ખેડૂતોના વિવિધ સંગઠનો અત્યાર સુધીમાં સુરત તેમજ અન્ય સ્થળો પર રેલીઓ પણ કાઢી ચૂક્યા છે. ખેડૂતોમાં મામલે એટલો રોષ છે કે તેઓ પોતાની જમીનની માપણી કરવા દેવા પણ તૈયાર નથી.

જમીન આપનારા પસ્તાશે: ખેડૂત સમાજ

ખેડૂતો દ્વારા પોતાની જમીન સરકારને સોંપવા મામલે ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારને પોતાની જમીન આપનારા ખેડૂતો પાછળથી પસ્તાશે. અમને કોર્ટમાં વિશ્વાસ છે, અને સરકાર પાસેથી ખેડૂતોને જમીનની કિંમત બજાર ભાવ પ્રમાણએ ચોક્કસ મળશે. તેમણે સરકારના ખોટા વચનો પર વિશ્વસા કરવા પણ ખેડૂતોને અપીલ કરી હતી.

જમીનના ભાવ કરોડોમાં

પોતાની જમીનના બદલામાં 70.41 લાખનું વળતર મેળવનારા ખેડૂત સંજય મહેતાએ જણાવ્યું હતું કે, પોતાની પૈતૃક જમીન સરકારને આપવી કોઈને ગમે, જમીન અમારા જીવનનિર્વાહનું સાધન છે, અને અમે તેની સાથે સંકળાયેલા છીએ. અમે સરકાર સામે લડી શકીએ તેમ નથી એટલે અમે જમીન આપી દીધી છે. અમને જે રુપિયા મળ્યા છે તેનાથી એક વીઘો જમીન પણ ખરીદી શકાય તેમ નથી, કારણકે તેના ભાવ કરોડોમાં છે. મને જે વળતર મળ્યું છે તે બેંકમાં મૂકી વ્યાજની આવકથી નિર્વાહ ચલાવીશું.

(4:37 pm IST)