Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ડોલર સામે રૂપિયો ઘસાતા NRI દ્વારા ગુજરાતની બેંકોમાં ઠાલવવામાં આવી રૂ. ૧૪૪૫ કરોડની ડિપોઝીટ

ગુજ્જુઓનો છલકાયો વતનપ્રેમ : રૂપિયાના ધોવાણનો ઉઠાવ્યો ફાયદો

અમદાવાદ તા. ૧૪ : પાછલા નાણાંકીય કવાર્ટરમાં ગુજરાતમાં આવેલ NRI રોકાણમાં ખાસ્સો વધારો થયો છે. તેનું મખ્ય કારણ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ડોલર સામે રુપિયાની નબળાઈ છે. રાજય કક્ષાની બેંકર્સ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ ડેટા મુજબ આ સમયગાળામાં NRI ગુજ્જુઓનો વતન પ્રેમ ખૂબ છલકાયો અને રુ.૧૪૪૫ કરોડ ગુજરાતની જૂદી જૂદી બેંકોમાં જમા થયા.

એપ્રિલ-જૂન અને જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં અનુક્રમે રૂ.૨૫૦ કરોડ અને રૂ.૬૧૧ કરોડ જેટલા રૂપિયા NRI દ્વારા જમા કરવામાં આવ્યા હતા. જેની સામે જુલાઈ-સપ્ટેમ્બરમાં કુલ ૭૩,૩૭૮ કરોડ રૂપિયા ટોટલ NRI ડિપોઝિટ રાજયની બેંકોમાં પડી હતી જે એપ્રિલ જૂન કવાર્ટરમાં કુલ રૂ. ૭૧,૯૩૩ કરોડ હતી.

બેંકર્સ કમિટીના કન્વિનર અને દેના બેંકના એકસેકયુટિવ ડિરેકટર રમેશ સિંહે કહ્યું કે, 'જુલાઈ સપ્ટેમ્બરમાં પીરિયડ્સમાં ડોલર સામે રૂપિયાએ ૭૦ની સપાટી પાર કરી હતી જેના કારણે સારૂ રિટર્ન મળવાની આશાએ અનેક NRI રોકાણકારો દ્વારા ખૂબ મોટું ફંડ તેમના એકાઉન્ટમાં જમા કરાવી છે.'

૩૦ જૂનના રોજ જે અમેરિકન ડોલર રૂ. ૬૮.૪૭ હતો તે સપ્ટેમ્બર ૩૦ના રોજ ૭૨.૫૩ સુધી પહોંચી ગયો હતો. જેના કારણે હંમેશા પોતાને મળથા એકસચેન્જ રેટ અને બેંકના વ્યાજદર પર નજર રાખીને તૈયાર બેસનાર સ્માર્ટ NRI રોકાણકારો દ્વારા જયારે પણ વ્યાજ દર ઉપર જાય છે કે પછી ભારતીય રૂપિયાનું ધોવાણ થાય છે ત્યારે તેઓ પોતાની બચતને દેશના પોતાના વતનની લોકલ બેંકમાં જમા કરે છે. સિંહે વધુમાં કહ્યું કે, 'ડોલર સતત મજબૂત થતા ઓકટોબરમાં ૭૪ રૂપિયાને પણ પાર કરી ગયો હતો જેના કારણે હજુ પણ રોકાણ સતત આવી રહ્યું છે. ત્યારે ત્રીજા કવાર્ટરમાં કેટલું રોકાણ આવ્યું તે ડિસેમ્બરના અંતે ખબર પડશે.' (૨૧.૯)

(12:02 pm IST)