Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

કેવડીયામાં રાષ્ટ્રપતિ હસ્તે રેલવે લાઈનનું ખાતમુહૂર્ત પહેલા જ વિરોધ :રેલવે માટે જમીન આપવાનો ગ્રામસભાનો ઇનકાર

વિશેષ ગ્રામસભામાં 22 જેટલા ઠરાવો મંજુર :ટ્રસ્ટમાં 80 ટકા ટ્રસ્ટીઓ અનુસૂચિત જનજાતિના હોવાની માંગ :વહીવટી તંત્રમાં દોડધામ

ગાંધીનગર: કેવડિયામાં રાષ્ટ્રપતિના હસ્તે રેલવે લાઇનનું ખાતમુહૂર્ત થાય એ પહેલા જ જબરો વિરોધ શરુ થયો છે રાષ્ટ્રપતિના આગમન પેહલા જ કેવડિયા ગ્રામ પંચાયત દ્વારા એક વિશેષ ગ્રામસભા બોલાવી 22 જેટલા ઠરાવો મંજુર કરાયા હતાં જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેના ટ્રસ્ટમાં 80 ટકા ટ્રસ્ટીઓ અનુસૂચિત જનજાતિના હોવાની માંગ, કેવડિયામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરે એ પેહલા જ કેવડિયા ગ્રામપંચાયતે આ કાર્યક્રમનો વિરોધ દર્શાવતો ઠરાવ મંજુર કરતા તંત્રમાં દોડધામ મચી છે.

 

   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15મી ડિસેમ્બરે કેવડિયા ખાતે આવી રહ્યા છે.તેઓ કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ કરવાના છે.નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે કેવડિયા ગ્રામપંચાયત દ્વારા ગત 5મી ડિસેમ્બરે એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ 22 ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.આ ઠરાવોમાં કેવડિયા રેલવે સ્ટેશનને સ્ટેશનના બાંધકામ માટે મંજૂરી ન આપતો ઠરાવ પણ પસાર કરતા રાષ્ટ્રપતિના કાર્યક્રમનો વિરોધ થવાની ભીતિને લઈને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.

  કેવડીયામાં ગત 5મી ડિસેમ્બરે સરપંચ ભીખા તડવીની અધ્યક્ષયમાં એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતનો નર્મદા જિલ્લો અનુસૂચિ 5 ના વિસ્તારમાં આવતો હોવાથી આ વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ સુવાય કોઈ પણ મતદાર બની શકે નહીં કે કોઈ ખેતી અથવા વ્યવસાય પણ કરી શકશે નહિ. કેવડિયા ગ્રામસભાની મંજૂરી સિવાય કોઈ પણ જાતનું કાર્ય કરી શકાશે નહીં

 ,નર્મદા ડેમમાંથી પાણી પણ ગ્રામસભાની મંજૂરી વિના છોડી શકાય નહીં કે પાણીમાં બીટિંગ પણ કરી શકશે નહીં.નર્મદાના નદીને જીવંત રાખવા જેટલું જ પાણી ડેમમાંથી નિરંતર છોડવામાં આવે. કેવડીયાની હદમાં ભારતના રાષ્ટ્રપતિ,ગુજરાતના રાજ્યપાલ સિવાયના અન્ય કોઈ વિદેશી, કેન્દ્ર કે દેશના રાજ્યના પદાધિકારીઓ, સરકારી અધિકારી/કર્મચારીઓ ગ્રામસભાની સંમતિ વિના પ્રવેશી નહિ શકે. કેવડિયા ગામની હદમાં ભારતીય બંધારણની અનુસૂચિ-5 મુજબ સરકારી કર્મચારીઓની ભરતી કરવી તથા કોઈ નવું બાંધકામ કે રાજ્યના ભવનો પણ બનાવી શકે નહીં.

કેવડીયાની હદમાં કોઈ પણ જાતની ગંદકી થશે અથવા કોઈ કરશે તો એ દંડને પાત્ર થશે.કેવડીયાની હદમાં રેલવે લાઈન કે રેલવે સ્ટેશન બાંધકામ માટે આ ગ્રામસભા મંજૂરી આપતી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેના ટ્રસ્ટમાં 80 ટકા ટ્રસ્ટીઓ અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ,દરેક વિભાગમાં કામ કરતા 100 ટકા કર્મચારીઓ પણ અનુસૂચિત આદિજાતિના હોવા જોઈએ. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્થાનિક આવેલ તમામ પ્રવાસન સ્થળોમાંથી ઉભી થતી આવક પૈકી 25 ટકા આવક સ્થાનિક ગ્રામ સભામાં જમા કરાવવી.આગામી 20 થી 22મી ડિસેમ્બર દરમિયાન યોજાનાર ડિજી કોન્ફ્રાન્સ રદ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો

 ઉપરાંત  સ્થાનિક ગ્રામસભાની પરવાનગી વિના અહીંયા આવા કોઈ કાર્યક્રમો કરી શકાશે નહીં. કેવડીયાની હદ-સીમમાં કેન્દ્ર કે રાજ્ય સરકાર-સ્થાનિક વહીવટી તંત્ર એક પણ વૃક્ષ કાપી શકશે નહીં સહિત વિવિધ 22 ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા છે. સાથે સાથે આ ઠરાવનો જો કોઇ પણ ઉલઘન કરશે એની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની ચીમકી પણ અપાઈ છે.

(11:50 am IST)