Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

જૂના વાડજમાં હનુમાનજીના સ્વરૂપનું ભારે આકર્ષણ રહ્યું

મતદાન જાગૃતિ માટે અનોખો નવતર પ્રયોગ : મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા હનુમાનના બહુરૂપી લોકો ઘંટડી વગાડી અપીલ કરતા હતા : અહેવાલ

અમદાવાદ, તા.૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમ્યાન આજે સવારે જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે રેડક્રોસ સોસાયટી પાસેના મતદાન મથક પર આજે હનુમાનજી દાદાની વેશભૂષામાં એક બહુરૂપીએ મતદારો સહિત સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. હનુમાનજીના બહુરૂપી મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ઘંટડી વગાડી અનુરોધ કરતાં નજરે પડતા  હતા અને બાળકોને ચોકલેટ વહેંચતા નજરે પડતા હતા.

મતદાન જાગૃતિ માટેના આ અનોખા નવતર પ્રયોગની મતદારોએ પણ પ્રશંસા કરી હતી. આ અંગે નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે રેડક્રોસ સોસાસટીના મતદાન કેન્દ્ર પર ૧૫૪, ૧૫૫ અને ૨૧૪ નંબરના બુથ અને આસપાસના વિસ્તારમાં હનુમાનજી દાદાની વેશભૂષામાં એક બહુરૂપી યુવક કૂદકા મારી મારી ઘંટડી વગાડી લોકોને મતદાન કરવા માટે અનુરોધ કરી જાગૃત કરવાની ઘટના સામે આવી હતી. હનુમાનજીના બહુરૂપીએ લોકોને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની પવિત્ર ફરજ નિભાવવા અપીલ કરી હતી. આ બહુરૂપીને જોઇ નાના બાળકો ખુશ થઇ ઝુમી ઉઠતા હતા ત્યારે આ હનુમાનજીના બહુરૂપી દ્વારા બાળકોને ચોકલેટ વહેંચી તેમને ખુશ કરાતા હતા. સ્થાનિક મતદારોને જાગૃત કરી મહત્તમ મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવવા અપીલ કરવાના આ નવતર પ્રયોગની મતદારોમાં પણ ભારે પ્રશંસા થતી જોવા મળી હતી. દરમ્યાન ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, નારણપુરા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિકભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ પણ દિવસ દરમ્યાન આ મતદાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. દરમ્યાન આ મતદાનબુથ પર વયોવૃધ્ધ અને અશકત મતદારોને ભાજપના અગ્રણી રમેશભાઇ ગીડવાણી સહિતના અન્ય કાર્યકરો હાથ પકડીને મતદાન કરવાના તેમના રૂમ સુધી લઇ જઇ મતદાનની ફરજમાં અનોખી સેવા પૂરી પાડી હતી.

(8:43 pm IST)