Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

આહવા-ચીંચલી માર્ગ નજીક કપચી ભરેલ ટ્રક પલ્ટી ખાતા ચાર મજુરે દમ તોડ્યા

વાંસદા:ડાંગ જિલ્લાના આહવા-ચિંચલી માર્ગ પરનાં ભીસ્યા ગામ નજીક કપચી ભરેલી ટ્રક પલ્ટી જતાં ચાર મજુરોના કપચીમાં દટાઈ જવાથી મોત નીપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે આઠ જેટલાં મજૂરો ઈજાગ્રસ્ત થતા આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બુધવારે સવારે વ્યારાથી કપચી ભરી આહવા નજીકનાં નાંદનપેડા જઈ રહેલ ટ્રક(ડમ્પર) માં મજૂરો પણ સાથે જઈ રહ્યાં હતાં. તે વેળા ભિસ્ઘા ગામ નજીકનાં વળાંક પર ટ્રક (નં.- જીજે- ૩- ટી- ૨૯૪૧) ના ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક માર્ગ સાઈડના ખાડામાં ખાબકતાં ટ્રકમાં પાછળ બેસેલ મજુરો કપચીમાં દટાઈ ગયા હતા.

સવારે બનલેી ઘટનામાં મજૂરોની ચિચિયારીથી સમગ્ર વાતાવરણ ગુંંજી ઉઠતા આસ-પાસનાં ગ્રામજનો ઘટના સ્થળે ધસી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બે મહિલા અને બે બાળકો મળી ચારનાં ઘટના સ્થળે મોત થયા હતા.

ઈજાગ્રસ્તોને આહવા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડયા હતા. તમામ મજુરો ગોધરાતી આહવા-ચિંચલી માર્ગના કામ અર્થે આવી રહ્યા હતા.બનાવ સંદર્ભે આહવા પોલીસે ડ્રાઈવર વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:43 pm IST)