Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

જીતુભાઇ વાઘાણીના નામે સોશ્યલ મીડીયામાં ફરતા પત્રની ભારે ચર્ચાઃ ભાજપને ૭૪,કોંગ્રેસને ૧૧૩ બેઠકો મળતી હોવાનો ઉલ્લેખ

પોરબંદર તા.૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે થઇ રહ્યુ છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નામે સોશ્યલ મીડીયામાં ફરી રહેલા પત્રએ ભારે ચર્ચા જગાવી છે. આ પત્રમાં કોંગ્રેસને ૧૧૩ બેઠક અને ભાજપને ૭૪ બેઠકો મળી શકે તેમ છે તેવો ઉલ્લેખ કર્યો છે.

પત્રમાં જણાવ્યુ છે કે આદરણીય અમિતજી નમસ્કાર ગુજરાત ચૂંટણી અંતિમ તબક્કામાં છે ત્યારે તમામ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. મેં પ્રદેશ અધ્યક્ષ તરીકે અને તમામ સ્થાનિક કાર્યકર્તાઓએ પોતાની સંપુર્ણ તાકાત સાથે જવાબદારી નિભાવી છે પરંતુ ચૂંટણીના પ્રારંભથી જ ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નર્મદા રથને જાકારો મળ્યો, આદિવાસી યાત્રાને સમર્થન ન મળ્યુ, આ બધી ઘટનાઓ બાદ જંબુસરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સભામાં પણ ખુરશીઓ ખાલી જોવા મળી. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસને મળી રહેલા જનસમર્થનને તોડવુ ખુબ જ મુશ્કેલ છે. પાર્ટી લેવલે અમે આંતરિક લેવલે કેટલાક સર્વે કરાવ્યા છે. આ સર્વેના હિસાબે કોંગ્રેસને ભારે બહુમતી મળી શકે છે. આપણા સર્વે મુજબ કોંગ્રેસને ૧૧૩ અને ભાજપને ૭૪ બેઠકો મળી શકે છે.

જેમાં ઉ.ગુજરાતમાં ભાજપને ર૪, કોંગ્રેસને ર૮, દ.ગુજરાત ભાજપને ૧ર, કોંગ્રેસને રર, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને ૧૮, કોંગ્રેસને ૪૧, મધ્ય ગુજરાતમાં ભાજપને ર૦ અને કોંગ્રેસને રર બેઠક મળી કુલ ભાજપને ૭૪ અને કોંગ્રેસને ૧૧૩ બેઠકો મળશે તેમ પત્રમાં જીતુભાઇ વાઘાણીના નામથી ઉલ્લેખ થયો છે.

જીતુભાઇ વાઘાણીના નામથી ફરી રહેલા પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, આ ઉપરાંત હાર્દિક પટેલ પટેલ અને પાટીદાર સમાજની અવગણના ભાજપને ભારે પડી રહી છે. પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપના નેતાઓ માટે પ્રચારબંધી થઇ છે. ત્યારે આપણે પ્રચાર પધ્ધતી બદલવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓમાં જનતા નથી આવતી, તે મોટી ચિંતાનો વિષય છે. આપની સાથે મુલાકાત થશે ત્યારે આ મામલે વિગતે ચર્ચા થશે તેમજ ભાજપના ચૂંટણી પ્રચારની પદ્ધતિ માટે તમારૂ માર્ગદર્શન જરૂરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ લેટરમાં જે બેઠકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છ તે બેઠકોનો સરવાળો ખોટો આવે છે જેમાં સૌરાષ્ટ્રની ૫૪ બેઠકો છે તો આ પત્રમાં ૫૯ બેઠકો દર્શાવાઇ છે.

 

 

તસ્વીરમાં સોશ્યલ મીડીયામાં વાઇરલ થયેલ પત્ર નજરે પડે છે.

(4:35 pm IST)