Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વિસનગરમાં ઠાકોરો અને પાટીદારો વચ્ચે ધિંગાણુઃ ૧૨ ઘાયલ

હસનપુર ગામે અથડામણઃ ગામમાં ફરી મતદાન શરૃઃ સામસામો પથ્થરમારો શરૂ થઇ ગયો : પાટીદાર આંદોલનનું એપી સેન્ટર છે વિસનગરઃ ઘવાયેલા તમામ પાટીદાર

વિસનગર તા. ૧૪ : મહેસાણા જિલ્લાના હસનપુર ગામે થયેલી જૂથ અથડામણમાં ડઝનથી વધુ લોકો ઘવાયા છે. વિસનગર તાલુકામાં આવેલા હસનપુર ગામે પાટીદારો અને ઠાકોરો વચ્ચે ચૂંટણી બાબતે થયેલી બબાલે ગંભીર સ્વરુપ ધારણ કરતા બંને કોમના લોકોએ સામસામે એકબીજા પર હુમલો કર્યો હતો. હાલ તમામ ઘાયલોને વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, રેપિડ એકશન ફોર્સને પણ તૈનાત કરી દેવાઈ છે.

ગામમાં વોટિંગ ચાલુ હતું ત્યારે જ આ અથડામણ થતાં પોલીસ તાત્કાલિક એકશનમાં આવી હતી, અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. ગામના લોકો કોઈ ભય વગર મતદાન કરી શકે તે માટે RAFના જવાનો પણ ગામમાં ખડકી દેવાયા છે. હાલ મળતી માહિતી અનુસાર ગામમાં ફરી મતદાન શરુ કરી દેવાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં પાટીદારો કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપી રહ્યા છે, જયારે ઠાકોરો ભાજપના ઉમેદવારને ટેકો આપી રહ્યા છે. જેના કારણે આજે બંને કોમના લોકોએ એકબીજા સામે ગાળાગાળી કરી હતી, અને બાદમાં મામલો બિચકતા સામસામો પથ્થરમારો શરુ થઈ ગયો હતો.

સ્થિતિએ ગંભીર સ્વરુપ ત્યારે ધારણ કર્યું જયારે બંને જૂથના લોકોએ એકબીજા પર લાકડીઓ વડે હુમલો કર્યો. જોકે, આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક ધટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘવાયેલા તમામ લોકો પાટીદારો છે.

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઉત્ત્।ર ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ઉત્ત્।ર ગુજરાત પાટીદાર આંદોલનનું એપીસેન્ટર છે, અને અહીં પાટીદારોમાં ભાજપ સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, નવાઈની વાત એ છે કે, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હોવા છતાં ઠાકોરોએ ભાજપના ઉમેદવારને ટેકો આપતા પાટીદારો અને ઠાકોરો વચ્ચે બબાલ થઈ હતી.

(4:18 pm IST)