Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બેને મતદાન બાદ કહ્યું, ભાજપનો વિજય થશે, હાર્દિકની અસર નહીં થાય

મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યકત કર્યોઃ ભૂપેન્દ્ર પટેલને મારાથી વધુ મત મળશે

અમદાવાદ તા. ૧૪ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતદાન કરી દીધું છે. ભાજપનો ગઢ ગણાતી ઘાટલોડિયાની બેઠક પરથી આ વખતે ભુપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ભૂપેન્દ્રભાઈનો વિજય થશે તેવા વિશ્વાસ સાથે બેને કર્યું ફરી એક વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવો મને વિશ્વાસ છે.

ઘાટલોડિયામાં આનંદીબેન મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી. અને તેમણે ભાજપનો વિશ્વાસ વ્યકત કર્યો છે. આનંદીબેને જણાવ્યું કે, ઉત્ત્।ર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો પર થઈ રહેલા મતદાનમાં ભાજપની મોટી જીત થશે. આ સાથે બેને કહ્યું કે, અમે અમારો લક્ષ્યાંક પ્રાપ્ત કરીશું અને ફરી ભાજપની ગુજરાત સરકાર બનાવશે.

બેનની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા તેની ચૂંટણી પર અસર પડશે તેના જવાબમાં આનંદીબેને કહ્યું કે, મને જેટલા મત મળ્યા તેના કરતા વધુ અમારા ઉમેદવાર (ભૂપેન્દ્ર પટેલ)ને મળશે. મતદારોને આકર્ષવામાં ટોપ પર રહેલા બેનની ગેરહાજરીની આ વખતે અસર ભાજપને થશે તેવી અટકળોને ફગાવીને બેને કહ્યું કે, તેમને વધુ વોટ મળશે. હવે આ નિવેદન કેટલું ખરું પડશે તે તો ૧૮મીએ જ ખબર પડશે.

હાર્દિકના આંદોલનની ભાજપને અસર થશે અને નુકસાન ભોગવવું પડશે તેવા સર્વે સામે આવી રહ્યા છે ત્યારે આનંદીબેને આ વાતને અગાઉ ફગાવતા રહ્યા છે ત્યારે આજે મતદાન પછી પણ તેમણે આ વાતને ફગાવી દીધી છે. આનંદીબેનને હાર્દિકની અસર અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, (હાર્દિક પટેલની) કોઈ અસર નહીં થાય. ભાજપનો જ વિજય થશે.

(12:45 pm IST)