Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જયઘોષસૂરીશ્વરજી મહારાજને મુખાગ્નિ માટે કરોડોની બોલી

મુખાગ્નિની અંતિમ બોલી ૪ કરોડ ૫૧ લાખમાં : આંબલી ખાતે આવેલા લબ્ધિ નિધાન જૈન સંઘ ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયો : જૈેન સમાજમાં આઘાત

અમદાવાદ,તા. ૧૪ : ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજીનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલિન થયો હતો. તેઓના અંતિમ સંસ્કાર પૂર્વે પાલખીના કુલ ૧૯ ચઢાવા બોલાવવામાં આવ્યા હતા અને તેઓને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી રૂપિયા ચાર કરોડ ૫૧ લાખ રૂપિયા બોલાવવામાં આવી હતી. અમદાવાદના આંબલી ખાતે આવેલા લબ્ધિ નિધાન જૈન સંઘ ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ૮૪ વર્ષની ઉંમર અને તેમાંથી ૭૦ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા આચાર્ય જયઘોષસૂરીશ્વરજીનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા હતા. ફેફસામાં ઇન્ફેક્શન વધી જતાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેઓ વેન્ટિલેટર પર હતા.

કારતક વદ-૧ બુધવારના સર્વે વોસિરાવવા સાથે છેલ્લા દોઢ કલાક નમસ્કાર મહામંત્રની ધૂન સાંભળતા અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની ચાર પરિવારોએ ભેગા મળીને બોલી બોલ્યા હતા. જેમાં શાંતાબહેન વસંતભાઈ અદાણી પરિવાર, મંજુલાબહેન રમણલાલ ચાણસ્મા વાળા પરિવાર, ધત્રિકા બહેન કલ્પેશભાઈ શાહ પરિવાર અને દિપકભાઈ બારડોલી વાળા પરિવારે ભેગા થઈને બોલી બોલ્યા હતા અને અગ્નિ સંસ્કાર વિધિ કરી હતી. આંબલી સ્થિત લબ્ધિ નિધાન જૈન સંઘ ખાતે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. તે સ્થળ પર સ્મૃતિ મંદિર બનશે. હજારોની સંખ્યામાં જૈન સમુદાયના શ્રધ્ધાળુઓ અને ભાવિકો ઉમટી પડયા હતા અને સૌકોઇમાં શોક અને આઘાતની લાગણી સહજ જણાતી હતી.

(9:42 pm IST)