Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કઠલાલના લસુન્દ્રા નજીક કારમાં સંતાડીને લઇ જવાતો 1.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી એક ઈસમની ધરપકડ કરી

કઠલાલ:તાલુકાના લસુન્દ્રા નજીક પસાર થતાં હાઈવે પરથી ગાડીમાં સંતાડી લઈ જવાતાં ૧.૨૦ લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે રાજસ્થાનના એક ઈસમની ધરપકડ કરીને કુલ ૩.૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે પકડાયેલા શખ્સના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમ આજરોજ ફાગવેલ મેળા બંદોબસ્તને લઈને કઠલાલ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન લસુન્દ્રા ગામ નજીકથી પસાર થતાં હાઈવે રોડ પરથી શેવરોલે ગાડી ન.ં જીજે-૦૧, કેજી-૯૨૨૨માં વિદેશી દારૂ સંતાડી તેની હેરાફેરી કરવામાં આવનાર હોવા અંગેની માહિતી પોલીસની ટીમને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે લસુન્દ્રા હાઈવે કેનાલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઉક્ત નંબરવાળી કાર આવતાં પોલીસે તેને રોકી હતી. અને ગાડીના ચાલકની પુછપરછ કરતાં તે ચંદ્રવીરસિંહ ઉર્ફે ચંદન ભુપેન્દ્રસિંહ ઝાલા (રહે.સુલતાનજીકા ખેરવાડા, તા.ઝાલોર, જી.ઉદેપુરા, રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગાડીની તલાશી લેતાં ગાડીમાંથી ૩૦૦ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત ૧.૨૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે શેવરોલે ગાડી કિંમત રૂ.૨,૦૦,૦૦૦, એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦ તેમજ અંગજડતીમાંથી મળી આવેલ રૂ.૨૨૦ રોકડા મળી કુલ રૂ.૩,૨૦,૭૭૦નો મુદ્દામાલ કબ્જે લઈ વિદેશી દારૂની હેરાફેરી કરતાં ચંદ્રવીરસિંહ ઝાલાની અટકાયત કરી તેની વિરૂધ્ધ પ્રોહિબિશનની ધારા હેઠળનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)