Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સાબરકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુ દરના પ્રમાણમાં વધારોઃ ૨૪૦ દિવસમાં ૩૯૮ નવજાત બાળકો અને ૧૮ મહિલાઓના મોત

ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જન્મ બાદ ગણતરીના દિવસોમાં મોટી સંખ્યામાં નવજાત શિશુ મોતને ભેટ્યા છે. જિલ્લામાં ગત 240 દિવસમાં કુલ 398 નવજાત બાળક જ્યારે 18 મહિલાઓના મોત થયા હતા. સમગ્ર બાબતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવતાં ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.

              સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રની નવજાત બાળકો અને ધાત્રી માતાના આરોગ્ય બાબતે બેઠક મળી હતી. જેમાં શિશુ અને માતા મૃત્યુ દર અંગે અત્યંત ગંભીર બાબતો સામે આવી છે. જન્મ બાદ ગત એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ 398 નવજાત બાળકોના મોત થયા હતા. આ દરમ્યાન કુલ 18 સગર્ભા મહિલા પણ મોતને ભેટી હતી. આ સાથે કેટલાક બાળકો જન્મ પહેલાં મોતને ભેટ્યા હતા. બાળ મૃત્યુ દર ઘટાડવા અને સ્થગિત કરવા જિલ્લા તંત્રની અનેક મથામણ વચ્ચે માત્ર 240 દિવસમાં 398 મોત અત્યંત ગંભીર માનવામાં આવે છે.

              સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય તંત્ર સરકારી દવાખાને વધુને વધુ સુરક્ષિત સુવાવડ કરાવવા પ્રયત્નશીલ છે. જોકે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ બાદ બાળ મૃત્યુ દર અપેક્ષા મુજબ ઘટતો નથી. આવી સ્થિતિમાં જાહેર થયેલા માતા અને બાળ મૃત્યુના આંકડા તંત્ર અને જનસમૂહ માટે એલર્ટ સમાન બની ગયા છે.

(5:19 pm IST)