Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સહકારી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ પગલુઃ વિસનગર માર્કેટ યાર્ડ અતિ કુપોષિત ર૪૭ બાળકોને દત્તક લીધા

કુપોષણ મુકત સમાજ માટે સંસ્થાઓ-સેવાભાવી લોકો આગળ આવેઃ ડી.ડી.ઓ. દક્ષિણી

મહેસાણા જિલ્લાના વિસનગરમાં માર્કેટ યાર્ડ ખાતે પોષણ સંદર્ભે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણી, ધારાસભ્ય ઋષીકેશ પટેલ, આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૪ :.. મહેસાણા જિલ્લાને કુપોષણ મુકત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે. જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોનું મોનીટરીંગ અને કુપોષણ નિવારણ માટે ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૧૧૯૬ જેટલા અતિકુપોષીત બાળકો માટે ખાસ તપાસણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત જિલ્લાને કુપોષણ મુકત બનાવવા માટે સમાજ સંગઠનો દ્વારા પણ પહેલ કરાઇ છે. મહેસાણા જિલ્લાની વિસનગર એ. પી. એમ. સી. દ્વારા વિસનગર તાલુકાના ર૪૭ અતિકુપોષીત બાળકોને દત્તક લઇ નવી પહેલ કરી છે. એ. પી. એમ. સી. વિસનગર દ્વારા તાલુકાના ર૪૭ અતિકુપોષીત બાળકોને સીંગ, ગોળ, ચણા, ખજુર સહિત પ્રોટીન વિથ વિટામીન્સ મિનરલ્સ એન્ડ ડીએચએ પાઉડર અને દૂધ આપવામાં આવનાર છે. જે માટે એ. પી. એમ. સી. વિસનગરને માસિક રૂ. ૯૯૩૩પ રૂપિયાનો ખર્ચ થનાર છે.

વિસનગર તાલુકા બાળકોને દત્તક લઇ સુપોષીત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લાનો સામુહિક, સાતત્યપૂર્ણ અને સર્વાગિ વિકાસ માટે જિલ્લાને કુપોષણ મુકત બનાવવો અનિવાર્ય છે. જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર દ્વારા ટાસ્કફોર્સ, એકશન પ્લાન અને ફોલોઅપ કરી આ માટે કમર કસી રહ્યુ છે. જિલ્લાને સંપૂર્ણ કુપોષણ મુકત બનાવવા માટે સમાજ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ અને જનસમુદાયને અપીલ કરી હતી.

ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે વિસનગર તાલુકાના અતિકુપોષીત બાળકોને પોષણ યુકત બનાવવા એ. પી. એમ. સી. દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાને કુપોષણ મુકત બનાવી સશકત રાષ્ટ્રના નિર્માણ માટે આગળ આવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અતિકુપોષીત બાળકોને એ. પી. એમ. સી. દ્વારા પોષણ કીટ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં પ્રાન્ત અધિકારી વિસનગર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઇ પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર આઇ. સી. ડી. એસ. ના ગૌરીબેન સોલંકી, પદાધિકારીઓ, અધિકારીઓ, એ. પી. એમ. સી. વિસનગરના ડીરેકટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:52 am IST)