Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગચ્છાધિપતિ પૂ.આ.ભ.જયઘોષ સૂરીશ્વરજી મહારાજા પંચમહાભૂતમાં વિલીન

છેલ્લા ૧૦ દિવસથી ઈન્ફેકસનના કારણે સારવારમાં હતાઃ સર્વે વોસિરાવવા સાથે નમસ્કાર મહામંત્ર સાંભળતા સમાધિપૂર્વક ગઈકાલે કાળધર્મ પામેલ : પાલખીના કરોડોના ચઢાવાઃ જૈન સમાજમાં શોકની લાગણીઃ અંતિમ દર્શન માટે દેશભરમાંથી ભાવિકો ઉમટયા : જૈન સમાજને ન પૂરી શકાય તેવી ખોટઃ પૂ.આ.ભ. : યશોવિજયજી મ.સા : પ્રેમભુવનભાનુસુરિ સમુદાયના નૂતન ગચ્છાધિપતિ તરીકે પૂ.આ.ભ. શ્રી રાજેન્દ્રસુરિ મહારાજ ઘોષિત થયા

લબ્ધિનિધાન જૈન સંઘ ખાતે અગ્નિદાહ : જૈનાચાર્ય જયઘોષસૂરીશ્વજી મ.સા.નો અગ્નિદાહ લબ્ધિનિધાન જૈન શ્વે. મૂ. સંઘ પાર્થ લકઝુરિયા ફ્લેટ, સંતુર બંગલા સામે, જયંતિલાલ બીઆરટીએસ બસ સ્ટોપના ખાંચામાં, આંબલી ખાતે અપાયેલ.

અમદાવાદ, તા. ૧૪ : સુવિશાલ ગચ્છાધિપતિ સિદ્ઘાંત દિવાકર આચાર્યદેવ શ્રીમદ દ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા બુધવારે બપોરે અમદાવાદ ખાતે કાળધર્મ પામ્યા છે. ૮૪ વર્ષની ઉંમર અને ૭૦ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા આચાર્ય જયઘોષસૂરીશ્વરજીનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા હતા.

તેઓની પાલખીના ચઢાવા આજે સવારે ૮ કલાકથી ઓપેરા જૈન સંઘ ઉપાશ્રય-પાલડી ખાતે બોલાયેલ. જેમાં અગ્નિદાહ - ૩ કરોડ, ૬ લાખ, પાલખી માં પધરાવાનો - ૩૧,૩૧,૦૦૦, અંતિમ ગુરૂપૂજન - ૩૬,૩૬,૦૦૦, જમણી બાજુની કાંધ - ૧૫,૧૫,૦૦૦, ડાબી બાજુની કાંધ - ૨૨,૨૨,૨૨૨, પાછળની જમણી કાંધ - ૧૮,૧૮,૧૧૮, પાછળની ડાબી કાંધ - ૧૯,૧૯,૧૧૯, વચ્ચેની મુખ્ય લોટી - ૧૯,૧૯,૧૧૯, આગળની જમણી લોટી - ૧૭,૧૭,૧૧૭, આગળની ડાબી લોટી - ૨૧,૨૧,૧૨૧, પાછળની જમણી લોટી - ૨૧,૨૧,૧૨૧, પાછળની ડાબી લોટી - ૨૧,૨૧,૧૨૧ આગળનું જમણું ધુપ - ૯,૦૦,૦૦૦, પાછળનું જમણું ધુપ - ૧૧,૧૧,૦૦૦, આગળનું ડાબું ધુપ - ૯,૫૧,૦૦૦, પાછળનું ડાબુ ધુપ - ૧૩,૧૩,૧૧૩, અનુકંપા દાન પાલખી દરમ્યાન - ૧૧,૧૧,૧૧૧, પાલખી દરમ્યાન દોણી - ૨૭, ૨૭,૦૦૦ની બોલી બોલવામાં આવેલ હોવાનું જૈન અગ્રણીશ્રી દિલીપભાઈ વસાએ જણાવેલ. ગુરૂવારે બપોરે ૪ કલાકે લબ્ધિનિધાન જૈન સંઘ ખાતે અગ્નિદાહ થશે. ગચ્છિાધપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે બુધવારે સાંજથી મોટી સંખ્યામાં ભાવુકો ઉમટી પડયા હતા.

અમદાવાદના પાલડી ખાતે ઓપેરા જૈન સંદ્ય ઉપાશ્રયમાં ચાતુર્માસ કરી રહેલા ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા. છેલ્લા ૧૦ દિવસથી નાદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા હતા. ફેફસામાં ઇન્ફેકશન વધી જતાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ.  બુધવારના સર્વે વોસિરાવવા સાથે છેલ્લા દોઢ કલાક નમસ્કાર મહામંત્રની ધૂન સાંભળતા અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ગુજરાતના અનેક નાના ગામથી માંડી અનેક શહેરો તેમજ મુંબઇ, રાજસ્થાન, મધ્ય પ્રદેશથી પણ ભાવુકોનું આગમન શરૂ થઇ ગયું છે. ચઢાવા બાદ ઓપેરા ઉપાશ્રયથી પાલખીનો પ્રારંભ થયો હતો.

જે ઓપેરા ઉપાશ્રય-જૈનાચાર્ય ભુવનભાનુસૂરી સ્મૃતિ મંદિર-પંકજ સોસાયટી-અંજલિ ચાર રસ્તા-ધરણીધર-નહેરૂનગર ચાર રસ્તા-શિવરંજની-રામદેવ નગર ચાર રસ્તા-ઇસ્કોન ચાર રસ્તા-જયંતિલાલ પાર્ક બીઆરટીએસ બસ સ્ટોપ-પાર્થ લકઝુરિયસ ફ્લેટ, આંબલી પહોંચી હતી.

શ્રી લબ્ધિનિધાન જૈન શ્વે. મૂ. પૂ. સંઘ પાર્શ્વ લકઝુરિયા ફ્લેટ-આંબલી ખાતે  બપોરે અગ્નિદાહ આપવામાં આવેલ.

પૂજયશ્રીના કાળધર્મના સમાચાર વાયુવેગે પ્રસરતા દેશ-વિદેશમાં વસતા જૈનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. ગચ્છાધિપતિ સર્વાધિક શ્રમણોના સાર્થવાહ હતા. તેમનો દીક્ષાપર્યાય ૭૦ વર્ષનો હતો. ૬૫૦ જેટલા શ્રમણો-૭૦૦થી વધુ સાધ્વીજીઓના નાયક હતા. હજારો લોકોને પ્રાયશ્યિત આપી જેમણે જીવનશુદ્ઘિ કરાવી હતી. જૈન જ નહીં જૈનેતર સમાજમાં પણ જેઓ વચનસિદ્ઘ કહેવાતા હતા.

તેમની આજ્ઞામાં ૫૨ આચાર્યો, ૪ ઉપાધ્યાય, ૬૨ પંન્યાસ, ૬૧૨ મુનિ આરાધના કરી રહ્યા છે. ૧૪ વર્ષની નાની ઉંમરે જ દીક્ષા લીધી હતી. માત્ર ૬ ધોરણ ભણ્યા હોવા છતાં વિશ્વભરમાં મહાજ્ઞાની-મહાવિદ્વાન તરીકે પંકાયા હતા. આવા વિરલ મહાપુરૂષની વિદાયથી સમગ્ર જૈન સમાજ-સમગ્ર સૂરી પ્રેમ ભુવન ભાનુ સૂરી સમુદાયને કદી ન પૂરાય એવી ખોટ પડી છે.

પૂ.શ્રીની જીવન ઝરમર

જન્મઃ ૬ જુલાઇ ૧૯૩૬, પાટણ.

સંસારી નામઃ જવાહર કુમાર

માતા-પિતાઃ કાન્તાબેન મફતભાઇ શાહ

રહેઠાણ : ગુલાલવાડી-મુંબઇ

અભ્યાસઃ ૬ ધોરણ

ગુરૂજી : મુનિ ધર્મઘોષવિજયજી મ.સા. (સંસારી પિતા)

દીક્ષાઃ ૭ મે ૧૯૫૦, ભાયખલા-મુંબઇ.

વડી દીક્ષાઃ ૧ નવેમ્બર ૧૯૫૦, પાલીતાણા

ગણિપદ : ૮ ડિસેમ્બર ૧૯૭૪. પંકજ સોસાયટી-અમદાવાદ.

આચાર્યપદ તથા સિદ્ઘાંત દિવાકર પદઃ ૧૫ ડિસેમ્બર ૧૯૮૪ જલગાંવ-મહારાષ્ટ્ર. દાતાઃ આચાર્ય ભુવનભાનુસૂરી મ.સા.

ગચ્છાધિપતિ પદઃ ૯ મે ૧૯૯૩. ગોરેગામ-મુંબઇ.

વિદ્યમાન -શિષ્યાદિ : ૪૩

પાલખીના ચઢાવા

અગ્નિદાહ - ૩ કરોડ, ૬ લાખ, પાલખી માં પધરાવાનો - ૩૧,૩૧,૦૦૦, અંતિમ ગુરૂપૂજન - ૩૬,૩૬,૦૦૦, જમણી બાજુની કાંધ - ૧૫,૧૫,૦૦૦, ડાબી બાજુની કાંધ - ૨૨,૨૨,૨૨૨, પાછળની જમણી કાંધ - ૧૮,૧૮,૧૧૮, પાછળની ડાબી કાંધ - ૧૯,૧૯,૧૧૯, વચ્ચેની મુખ્ય લોટી - ૧૯,૧૯,૧૧૯, આગળની જમણી લોટી - ૧૭,૧૭,૧૧૭, આગળની ડાબી લોટી - ૨૧,૨૧,૧૨૧, પાછળની જમણી લોટી - ૨૧,૨૧,૧૨૧, પાછળની ડાબી લોટી - ૨૧,૨૧,૧૨૧ આગળનું જમણું ધુપ - ૯,૦૦,૦૦૦, પાછળનું જમણું ધુપ - ૧૧,૧૧,૦૦૦, આગળનું ડાબું ધુપ - ૯,૫૧,૦૦૦, પાછળનું ડાબુ ધુપ - ૧૩,૧૩,૧૧૩, અનુકંપા દાન પાલખી દરમ્યાન - ૧૧,૧૧,૧૧૧, પાલખી દરમ્યાન દોણી - ૨૭, ૨૭,૦૦૦ની બોલી બોલવામાં આવેલ હોવાનું જૈન અગ્રણીશ્રી દિલીપભાઈ વસાએ જણાવેલ.

૪૫ આગમ કંઠસ્થ હતા

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજીને ૪૫ આગમો કંઠસ્થ-હૃદયસ્થ હતા.જેના કારણે તેઓ જૈન આગમની મોબાઇલ લાયબ્રેરી જેવા હતા. તપ સાધનાના વિષયમાં તેમની લબિૃધ અનેરી હતી. તેમના મોઢે પચ્ચકખાણ કરવા એ જીવનનો લ્હાવો ગણાતો. અનેક લોકોને તેમણે સાધનાના માર્ગે ચઢાવી સમાધિના દાન કર્યા હતા. જેઓ શાંત-પ્રશાંત-ગીતાર્થ ગંભીર હતા. સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-વ્યાકરણ-છંદ-અલંકાર-સાહિત્યના પ્રખર જ્ઞાતા હતા.

(3:43 pm IST)