Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ફાઇવસ્‍ટાર હોટલ જેવી ક્રુઝમાં દરિયાઇ પર્યટનઃ મુંબઇ-દીવ સેવાનો પ્રારંભ

૧૧ કલાક આનંદમાં ધુબાકાઃ ભાડુ વ્‍યકિત દિઠ રૂા.18 હજાર : રોજગાર અને પ્રવાસન પ્રવૃતિને વેગ મળશેઃ મંત્રી મનસુખ માંડવિયા

રાજકોટ તા. ૧૪ : ભારત સરકાર હસ્‍તકના મુંબઇ પોર્ટ  દ્વારા મુંબઇથી દીવ પોર્ટ સુધી ‘કર્ણિકા' ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી છે કેન્‍દ્રીય શીપીંગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ દરિયાઇ પર્યટન સેવાનો આગામી દિવસોમાં પોરબંદર સહિતના અન્‍ય દરિયાઇ ક્ષેત્રોમાં વિસ્‍તાર થશે ફાઇવસ્‍ટાર હોટલ જેવી ક્રુઝ (નૌકા વિહાર)માં મુંબઇથી દિવ પહોચતા ૧૧ કલાક જેટલો સમય થાય છે. જેનું વ્‍યકિત દિઠ ભાડુ રૂા. 18 હજાર રાખવામાં આવ્‍યુ છે. પ્રવાસન પ્રવૃતિને વેગ આપવા સરકાર હજુ ભાડામાં રાહત આપે તેવી આશા છે.

મુંબઇથી દિવ વચ્‍ચેની ક્રુઝનો આરંભ થઇ શકયો છે. કેન્‍દ્ર સરકાર દ્વારા દરિયાઇ પ્રવાસનને ઉત્તેજન આપવા માટે ક્રુઝનો આરંભ કરવામાં આવ્‍યો છે. ક્રુઝમાં એક ફાઇવસ્‍ટાર હોટલમાં હોય તેવી તમામ સુવિધા સાથે પ્રવાસીઓને મુંબઇથી દિવ વચ્‍ચે દરિયાઇ સફર ઉપરાંત દિવ એક દિવસ રોકાઇને પ્રવાસ દિવનો આનંદ માણી શકે તેવી રીતે ક્રુઝની ટ્રીપ ગોઠવવામાં આવી છ.ે મુંબઇથી રાત્રે સાડાઆઠ કલાકે ૪૦૦ પ્રવાસીઓ સાથેનીકળેલી ક્રુઝ દિવ આજે સવારે ૯-૩૦ કલાકે પહોંચી હતી.

કેન્‍દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રારંભ પ્રસંગે કહ્યું હતું કે, દરિયાઇ કિનારે, દરિયાઇ માર્ગે રોજગારીની વ્‍યાપક તક છે. આ સાથે પ્રાદેશિક કનેકટીવીટી પણ વધશે અને પ્રાદેશિક ક્ષેત્રોનો વિકાસ પણ થશે.

મુંબઇ પોર્ટ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી સંજય ભાટિયા, (આઇ.એ.એસ.)એ દરિયાઇ પર્યટન સુવિધામાં શકય તેટલા વધુમાં વધુ દરિયાઇ વિસ્‍તારને આવરી લેવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો.

ક્રુઝની સુવિધા વિશે જણાવતા  મુંબઇ પોર્ટ ટ્રસ્‍ટના નોડલ ઓફિસર ગૌત્તમ ડેએ જણાવ્‍યુ હતું કે, એક ફાઇવસ્‍ટાર હોટલમાં જે સુવિધા હોય છે તે તમામ પકારની સુધિવા ક્રુઝમાં હશે. સ્‍વીમીંગ પુલ, જીમ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, વાયફાય, સ્‍પા.કેસીનો સહિતની સુવિધા ક્રુઝમાં રાખવામાં આવી છે. ઉપરાંત જમવા માટે વિશ્વની તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. ક્રુઝમાં રપ૦૦ વ્‍યકિતને લઇ જવાની ક્ષમતા છે. આ પૈકી ૧૮૦૦ પેસેન્‍જર અને બાકીનો ૭૦૦ વ્‍યકિતનો સ્‍ટાફ હોય છે.ક્રુઝ મે.ર૦ર૦ સુધીમાં દિવની ૧૭ ટ્રીપ કરશ.ે

ક્રુઝની પ્રથમ ટ્રીપને બુધવારથી આરંભ થઇ ગયો છે. હવે મે. ર૦ર૦ સુધીમાં ૧૭ જેટલી ટ્રીપ એટલે કે મુંબઇથી દિવ અને દિવથી મુંબઇની ટ્રીપ મારશે દરેક મહિને બેથી ત્રણ ટ્રીપ ક્રુઝ કરશે. જેમાં નવેમ્‍બરમાં તા.૧૪,૧ર,ર૮, ડીસેમ્‍બરમાં તા.૧ર અને ૧૯, જાન્‍યુઆરીમાં તા.૯,૧૬,૩૦, ફેબ્રુઆરીમાં તા.૬,૧૩,ર૭, માર્ચમાં તા.૧૯, એપ્રિલમાં તા.ર,૧૬,૩૦ અને મે મહિનામાં તા.૧૪ અને ર૮નો સમાવેશ થાય છે.

ક્રુઝ સેવાનો લાભ લેવા માટે ઓનલાઇન બુકીંગ સુવિધા ઉપલબ્‍ધ છે. વધુ માહિતી માટે મુંબઇ બંદર ફોન ન. ૦રર-૬૬પ૬પ૬પ૬ ઉપર સંપર્ક સાધી શકાય છ.ે

(2:58 pm IST)