Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સરકાર જમીન વિકાસ નિગમનો સંકેલો કરશે

ભ્રષ્ટાચાર પ્રકરણમાં બદનામી બાદ સરકારનું પગલુ : ૪૦૦ કર્મચારીઓને અન્યત્ર સમાવાશે

ગાંધીનગર તા. ૧૪ : રાજયનાં મોટા કૌભાંડકારી નિગમ તરીકે વગોવાયેલા જમીન વિકાસ નિગમને આખરે સરકારે તાળા મારવાનો નિર્ણય લીધોનું જાણવા મળે છે. રાજય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાની સૈદ્ઘાંતિક મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે જળસંચયની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

લાંચરૂશ્વતનું આ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં નિગમનાં કેટલાય ટોચનાં અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.ઙ્ગતો હવે રાજય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાને સૈદ્ઘાંતિક મંજૂરી આપી દીધી છે.

સરકારે જમીન વિકાસ નિગમ ને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. નિગમનાં ૪૦૦ કર્મચારીઓનો અન્ય સરકારી વિભાગોમાં કે બોર્ડ કોર્પોરેશનમાં સમાવેશ કરવામા આવશે. આ ઉપરાંત નિગમ અંતર્ગતની જે યોજનાઓ છે તે યોજનાઓને સીધી રીતે સિંચાઈ અને કૃષિ વિભાગ હેઠળ ચાલુ રાખવામાં આવશે. જયારે જમીન વિકાસ નિગમની મિલકતો સરકાર હસ્તક લઈને અન્ય સરકારી કામ માટે ફાળવવામાં આવશે.

(3:31 pm IST)