Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં લાભપાંચમનો સમૈયો દબદબાભેર ઊજવાયો...

શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવ” ની શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના.. : જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી ઉપસ્થિત રહ્યા... : પૂજનીય સંતોએ બ્લડ ડોનેશન કર્યું.

અમદાવાદ:ગુણવંતી ગુજરાતની હેરીટેઝ સીટી અમદાવાદના દક્ષિણે મણિ સમ સોહતા મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં લાભપાંચમનો સમૈયો દબદબાભેર ઊજવવામાં આવ્યો હતો. ધનતેરસથી લાભપાંચમ સુધી જણ જણ આનંદ ઉત્સવ મનાવે છે. ઘેર ઘેર દીવા પ્રગટાવાય છે. તેથી આખા અઠવાડિયાને “દીપોત્સવ પર્વ” એવું ગૌરવવંતુ નામ આપવામાં આવ્યું છે. નૂતનવર્ષ, અક્ષયતૃતીયા, વિજયા દશમી, ધનતેરસ, લાભપાંચમ અને ધૂળેટી આ છ દિવસ કાયમી શુભ ગણાય છે, તેથી આ દિવસોમાં ૬ પંચાંગ જોવાની આવશ્યકતા રહેતી નથી હોતી.

કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભપંચમી કે જ્ઞાનપંચમી. લાભપાંચમને સૌભાગ્ય પંચમી અથવા શ્રીપંચમી પણ કહે છે. કોઈપણ કાર્યની શુભ શરૂઆત કરવા લાભપાંચમ ઉત્તમ ગણાય છે. લાભપાંચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે, તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર ધાધાનો શુભારંભ લાભપંચમીથી થાય છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર “શુભ” “લાભ” જેવા શબ્દો લખીને “સ્વસ્તિક” (સાથિયા) નું ચિહ્ન કરાય છે.

વિક્રમ સંવત ૨૦૭૫ ના કારતક માસના શુક્લ પક્ષની પાંચમ એટલે કે લાભપાંચમના પવિત્રતમ દિને જીવનનો સાચો લાભ લેવા માટે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં સંતો-ભક્તો ઉલ્લાસભેર ઉમટ્યા હતા. મંગળા આરતી બાદ શણગાર આરતી કર્યા પછી “શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવ”ની પ્રાર્થનાનું શ્રી હરિના ચરણોમાં વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે વાંચન કર્યું હતું. શ્રી સ્વામિનારાયણ ટાવરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન અર્ચન કરી નિરાજન કરવામાં આવ્યું હતું. દર્શન પૂજન બાદ સ્વર્ણિમ રથમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સહ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ બિરાજમાન થયા હતા. અને સદ્ગુરુ સંતોએ રથને ખેંચવાની સેવાનો અણમોલો લ્હાવો માણ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગરના કર્ણપ્રિય નિનાદથી મધુર સૂરાવલી રેલાવી લાગી. સંતો-ભક્તો સહ વાજતે ગાજતે મુક્તજીવન ઓડીટોરીયમમાં પધાર્યા. આ પ્રસંગે પૂજનીય સંતોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું. લાભપાંચમ પર્વે અને અબજીબાપાશ્રીની વાતોની સમૂહપારાયણ પૂર્ણાહુતિ અવસરે  આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદની વહાવી હતી.

આજના અણમોલા અવસરે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ પધાર્યા હતા. તેઓશ્રીનું પરમ ઉમળકાભેર સ્વાગત કરી સન્માનિત કર્યા હતા. વળી, પૂજનીય સંતો અને ભક્તોએ રક્તદાન કર્યું હતું. આજના અનુપમ દિને અસંખ્ય હરિભક્તોએ દર્શન, આશીર્વાદ, પૂજન વગેરે લ્હાવો માણ્યો હતો. 

(12:49 pm IST)