Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમદાવાદના વાંચ ગામે જૂથ અથડામણ : ઘણા ઇજાગ્રસ્ત

જૂથ અથડામણના કારણે ક્ષણિક દહેશત ફેલાઈ : ચારથી પાંચ વાહનોમાં તોડફોડ અને આગચંપી : પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી : લોખંડી બંદોબસ્ત

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ જિલ્લાના વાંચ ગામે આજે બે કોમ વચ્ચે થયેલી જૂથ અથડામણની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક ગ્રામજનોની સાથે સાથે આસપાસના ગામોમાં પણ આ જૂથ અથડામણના બનાવને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વાંચ ગામની જૂથ અથડામણ અને બે કોમ વચ્ચે સામસામે થયેલા પથ્થરમારાને લઇ બેકાબૂ બનેલી પરિસ્થિતિને જોતાં પોલીસને એક તબક્કે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ જૂથ અથડામણમાં પાંચથી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે હાલ તો સમગ્ર મામલે રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, વાંચમાં આ જૂથ અથડામણને લઇ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ અને વાતાવરણ તંગ બની જતાં પોલીસે લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના વાંચ ગામે છ મહિના જૂની અદાવતમાં બે સમાજના લોકો વચ્ચે આજે અચાનક ફરી અથડામણ થઇ હતી. બંને પક્ષોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતા. ચારથી પાંચ વાહનોમાં તોડફોડ કરી વાહનો-ઘરોમાં આગચંપી કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર પંથકમાં વાતાવરણ તંગદિલીભર્યુ બની ગયુ હતું. સમગ્ર જૂથ અથડામણમાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ત્યાં દોડી આવ્યો હતો. જો કે, જૂથ અથડામણ અને સામસામે પથ્થરમારાની બેકાબૂ બનેલી પરિસ્થિતિ જોઇ પોલીસને એક તબક્કે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે ભારે જહેમત અને બળપ્રયોગ બાદ ગામની બેકાબૂ બનેલી પરિસ્થિતિ થાળે પાડી હતી. ફાયરબ્રિગેડનો કાફલો પણ આગ બુઝાવવાની કામગીરી માટે બોલાવી લેવાયો હતો. જૂથ અથડામણને લઇ સમગ્ર વાંચ ગામમાં અને આસપાસના પંથકોમાં સ્થાનિક ગ્રામજનો સહિતના લોકોમાં ભારે દહેશત અને ફફડાટનો માહોલ ફેલાઇ ગયો હતો. જો કે, પોલીસે વધુ પરિસ્થિતિ વણસે નહી અને કોઇ અનિચ્છનીય ઘટના ફરી ના ઘટે તે હેતુથી સમગ્ર વાંચ ગામ અને વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલીંગ અને લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો.

(10:39 pm IST)