Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મહાત્મા ગાંધીની આ ભૂમિના દર્શનનું સપનું સાકાર થયું :કઝાકિસ્તાનના રાજદૂત ગુજરાતની મુલાકાતે

આગામી વાઇબ્રન્ટ સમિટ 2022માં કઝાકીસ્તાનને સહભાગી થવા આમંત્રણ પાઠવતા મુખ્યમંત્રી

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની સૌજન્ય મુલાકાત કઝાકીસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવએ ગાંધીનગરમાં લીધી હતી. કઝાકિસ્તાન રાજદૂતે તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાત અંગે પ્રસન્નતા વ્યકત કરતાં મુખ્યમંત્રીને જણાવ્યું કે, મહાત્મા ગાંધીની આ ભૂમિના દર્શનનું તેમનું સપનું સાકાર થયું છે.

તેમણે ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વ્યાપાર વાણિજ્યની ઉત્કૃષ્ઠતાથી દેશમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે તે માટે અભિનંદન આપતા જણાવ્યું કે, કઝાકીસ્તાન, ભારત અને ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઉત્સુક છે. કઝાકિસ્તાનના રાજદૂતે 2019માં અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ ફોરમનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે એ સંદર્ભમાં ઉમેર્યું કે, આ ફોરમમાં કઝાકીસ્તાનની કંપનીઓ પણ જોડાઈ હતી અને આઇ.ટી; સ્ટાર્ટ અપ તેમજ મેટલ પ્રોડક્શન માટે પ્રાથમિક તબક્કે એગ્રીમેન્ટ પણ થયા હતા.

કઝાકિસ્તાન રાજદૂતે આ મુલાકાત દરમિયાન ખાસ કરીને આઇ.ટી, ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત-ગુજરાત સાથે સ્ટ્રેટીજીક પાર્ટનરશીપ ટાઇ-અપની ઉત્સુકતા દર્શાવી હતી. ગુજરાતના આ ત્રણેય ક્ષેત્રોના વિશાળ અનુભવનો લાભ લેવા કઝાકીસ્તાન આતુર છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે કઝાકીસ્તાન રાજદૂતને આવકારતા કહ્યું કે, ભારત-ગુજરાત કઝાકિસ્તાન સંબંધોના સેતુને વધુ નવી ઊંચાઈ આપવા રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે. તેમણે કઝાકીસ્તાન રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવાનું પ્રેરક સૂચન કરતા એમ પણ કહ્યું કે, ઇન્કલુઝિવ ગ્રોથ, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્ર અને આત્મનિર્ભર ભારતના ધ્યેય સાથે પ્રધાનમંત્રી મોદીના આગવા વિઝનનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી તેમને સુપેરે પરિચય થશે.

કઝાકીસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવ તેમના ડેલીગેશન સાથે ગુજરાત વેપારી મહામંડળના હોદ્દેદારોની મુલાકાત લીધી હતી. તેમના વચ્ચે યોજાયેલી બેઠકમાં પરસ્પર લાભ માટે વેપાર અને રોકાણ કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા થઇ હતી. આ બેઠકમાં જીસીસીઆઇના પ્રમુખ હેંમતભાઇ શાહે છેલ્લાં ઘણાં દાયકાઓથી બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર વિશ્વાસ સંબંધોને વધારવામાં મદદ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉપરાંત જીસીસીઆઇના કાર્યોથી માંહિતગાર કરવાની સાથે જીસીસીઆઇ માત્ર વેપાર અને ઉદ્યોગ જ નહીં પરંતુ મોટા પ્રમાણમાં સમાજને મદદ પણ કરે છે.

રાજદૂત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત સાથે સહયોગની રાહ જોઇ રહ્યાં છે. પ્રાદેશિક કોન્સ્યુલર દિલીપ ચંદન જે વેપાર અને રોકાણ વધારવા અને સુધારવા માટે જીસીસીઆઇ અને કઝાકિસ્તાન પ્રાદેશિક પરિષદનું એક મંચ બનાવવામાં મદદ કરી શકે છે. કઝાકિસ્તાનના આર્થિક વિકાસ અને ગુજરાતના ક્લ્યાણ માટે તેમના રસના મુખ્ય ક્ષેત્ર ઊર્જા, આઇ.ટી., ફાર્મા, પ્રોસેસીંગ વગેરે છે.

(11:04 pm IST)