Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સામૂહિક ખાદી ખરીદવાના સંકલ્પ થકી વણાટકામ ક્ષેત્રે કાર્યરત કારીગરોને રોજગારીની સાથે સાથે ‘ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ના મંત્રને ચરિતાર્થ કરાશે: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

ખાદી ગ્રામોદ્યોગ ભવન-ગાંધીનગર ખાતે ખાદી ખરીદતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઇ ડિંડોર:ખાદીને વધુ પ્રોત્સાહન આપવા રાજ્યમાં આગામી તા.૩૧મી ઓક્ટોબર સુધી ખાદીમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અપાશે

અમદાવાદ : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યુ હતું કે, સામૂહિક ખાદી ખરીદવાના સંકલ્પ થકી વણાટકામ ક્ષેત્રે કાર્યરત કારીગરોને રોજગારીની સાથે સાથે  ‘ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ના મંત્રને ચરિતાર્થ કરી શકાશે.

આગામી તા.૨૫મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં સામૂહિક ખાદી ખરીદી કરીને વણાટકામના કારીગરોને પ્રોત્સાહન આપવાના શિક્ષણ વિભાગના સંકલ્પના ભાગરૂપે આજે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઇ ડિંડોરે ખાદી ગ્રામોદ્યોગ ભવન-ગાંધીનગર ખાતે ખાદી ખરીદી હતી.   
શિક્ષણ મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાત મંદ લોકોને રોજગારી મળી રહે અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય એ માટે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્યભરના શિક્ષણ વિભાગના અધિકારી -કર્મચારીઓ આગામી તા.૨૫મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં સામૂહિક ખાદી ખરીદી કરીને તેમજ ખાદીના કપડા પહેરીને વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કરશે.  
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે પણ ખાદીને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે તા.૨જી ઓક્ટોબર- ગાંધી જયંતીના દિવસે આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ખાદી ઉપર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રીએ આ પ્રસંગે રાજ્યમાં શિક્ષણ સાથે સંલગ્ન તમામ સંસ્થાઓ, શિક્ષણ સંઘો,  એસોશિએશનો,  અધિકારી-કર્મચારીઓને તેમજ નાગરિકોને આ દિવસે ખાદી ખરીદવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના સચિવ એસ.જે.હૈદર, પ્રાથમિક શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ સહિત શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહીને ખાદીની ખરીદી કરી હતી.

(8:23 pm IST)