Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વડોદરા:ઈટોના ભઠ્ઠામાં સપ્લાયના મજુર મોકલવાના બહાને 11.46 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: ઈટોના ભઠ્ઠામાં મજુર સપ્લાય અંગે નાણા ચૂકવી દીધા બાદ મજૂરો નહિ મોકલી રૂપિયા પરત નહીં આપવા મામલે પોલીસ મથકે આપેલી અરજીનો વેર રાખી હુમલાખોરોએ ફરિયાદીને ફિલ્મી ઢબે રોકી પગમાં લાકડીના ફટકા મારી ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ ગોરવા પોલીસ મથકે નોંધાયો છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરીફ ખાન પઠાણ (રહે- ગોસીયા મસ્જિદ, પાસે, મધુ નગર, ગોરવા ) ઉમેટા ખડોલ ગામ ખાતે ઇંટોનો ભઠ્ઠો ચલાવે છે. ભઠ્ઠામાં મજુર મોકલવાનો કોન્ટ્રાક્ટ વ્યાસદભાઈ નામના વ્યક્તિને સોંપ્યો હતો. જે પેટે 11.46 લાખની રકમ પણ ચૂકવી હતી. પરંતુ વ્યાસદ ભાઈએ મજુર નહીં આપી પોતાના સંબંધી મહેબૂબખાન ઉર્ફે કાલીયા પઠાણ ( રહે-પુનિત પાર્ક, નવાયાર્ડ, વડોદરા ) ના બોરસદ ખાતે આવેલા ઈટોના ભઠ્ઠામાં મજૂરો સપ્લાય કર્યા હતા. અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા. જે અંગે આરીફ ખાનના પિતા અબ્દુલ હસન પઠાણએ પોલીસ મથકે અરજી આપી હતી. દરમિયાન 11મી ઓક્ટોબરના રોજ અબ્દુલ હસન પઠાણ નવાયાર્ડ તરફ બાઈક લઈને જતા હતા તે સમયે મધુ નગર બ્રિજ નજીક તેમની મોટરસાયકલ આગળ મહેબૂબ ખાન અને તારીકખાન (રહે- ફાતિમા પાર્ક, મધુ નગર, વડોદરા) કાર ઊભી રાખી દીધી હતી. અને કારમાંથી ડંડો કાઢી હુમલો કરતા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું હુમલા બાદ હુમલાખોરો કારમાં બેસી નાસી છૂટયા હતા. તેવી ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત બંને હુમલાખોરો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:04 pm IST)