Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સુરતના ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં અગાઉ થયેલ ચોરીની ઘટનામાં શખ્સે ભેદી સંજોગોમાં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં બે દિવસ અગાઉ જયાંથી રોકડા 90 લાખ રૂપિયાની ચોરી થઇ હતી તે બિલ્ડર ગોપાલ ડોકાણીયાની વેસ્ટર્ન કન્સ્ટ્રક્શન નામની કંપનીની લેબર કોલોનીમાં રહેતા પરપ્રાંતિય કારપેન્ટરે ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. શહેરના ન્યુ સિટીલાઇટ રોડ સ્થિત સેન્ટ થોમસ સ્કૂલની બાજુમાં આર્શીવાદ એસ્ટેટમાં આવેલી વેસ્ટર્ન કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાંથી બે દિવસ અગાઉ રોકડા 90 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. મોંઢા પર માસ્ક પહેરેલા અને પગપાળા આવનાર બે ચોર બિન્દાસ્તપણે ડ્રોઅરમાંથી ચાવી લઇ સેફ વોલ્ટ ખોલી તેમાંથી રોકડ મત્તા ચોરીને જઇ રહ્યા હોવાથી જાણભેદુની સંડોવણીની આશંકા વચ્ચે પોલીસ તપાસ ચાલી રહી છે. જે અંતર્ગત ગત બપોરે આર્શીવાદ એસ્ટેટમાં વેસ્ટર્ન કન્સ્ટ્રક્શન કંપનીની લેબર કોલોનીમાં રહેતા અને કંપનીમાં કારપેન્ટર તરીકે કામ કરતા અજીતકુમાર ધર્મરાજ બિંદ (ઉ.વ. 21 મૂળ રહે. વિઠ્ઠલપુર, ઇલ્હાબાદ, યુ.પી) એ બપોરે 2 વાગ્યાના અરસામાં કેબલનો વાયર પંખા સાથે બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રૂમ પાર્ટનર ઘરે આવ્યો ત્યારે અજીતે ફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ કરતા ચકચાર મચી જવા પામી હતી અને ખટોદરા પીઆઇ તરૂણ પટેલ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અજીતના આપઘાતના પગલે પાંડેસરા વિસ્તારમાં રહેતા તેના પિતરાઇ ભાઇએ ચોરી પ્રકરણમાં બિલ્ડરે માર મારી ફાંસીએ લટકાવી દીધાનો આક્ષેપ કર્યો હતો. જો કે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં તબીબોએ અજીતનું મોત ફાંસો ખાવાથી થયું હોવાનું જણાવ્યું હતું. 

(6:00 pm IST)