Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આણંદ જિલ્લામાં દશેરાના તહેવાર નિમિતે ફાફડા જલેબીની દુકાનમાં ફૂડ વિભાગના દરોડા

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં દશેરાના તહેવારો નિમિત્તે ફાફડા-જલેબીનુ વિપુલ ઉત્પાદન થાય છે. ત્યારે ફરસાણમા ભેળસેળ અને ગુણવત્તાની ચકાસણી માટે ફુડ વિભાગની ટીમે ગતરોજ આણંદ, આંકલાવ, બોરસદ, પેટલાદમાંથી ફાફડા, જલેબી,બેસનના ૧૨ નમુના લઇને વધુ પરીક્ષણ માટે વિભાગની અધિકૃત્ત લેબમાં મોકલાયા છે. 

ફરસાણના વેપારીઓ દ્વારા ખાદ્યતેલનો એકથી વધુ વખત ઉપયોગ થતો હોય તેને નિયંત્રિત કરવા ટીપીસી મશીન દ્વારા ખાદ્યતેલોની ચકાસણી હાથ ધરાઇ છે.જિલ્લામાં દિવાળી તહેવારોની હારમાળા પૂર્વે નવરાત્રિ અને દશેરાના તહેવારોને લઇને બજારોમા મીઠાઇ-ફરસાણનુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યુ હોઇ ફરસાણના ગુણવત્તા મૂલ્યની ચકાસણી માટે આણંદ જિલ્લા ફુડ વિભાગના અધિકારીઓ, ફુડ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે મંગળવારે આણંદના સ્ટેશન રોડ, મેફેર રોડ, અમૂલ ડેરી રોડ, આંકલાવના મુખ્ય બજાર, બોરસદના મુખ્ય બજાર, જનતા બજાર, પેટલાદના સ્ટેશન રોડ, કંદોઇ બજારમાં અચાનક તપાસ હાથ ધરીને ફાફડા, જલેબી તેમજ બેસનના શંકાસ્પદ ૧૨ નમુના કબ્જે લીધા છે. જે નમુના વિભાગની લેબમાં પૃથ્થકરણ માટે મોકલીને વધુ ચકાસણી કરવામા આવશે. સાથોસાથ ફરસાણ, હોટલ ઉદ્યોગકારો દ્વારા ખાદ્યવ્યંજનોની બનાવટમાં ખાદ્યતેલનો એક કે તેથી વધુ વખત ઉપયોગ કરાતો હોવાનુ ધ્યાને આવતા છેલ્લા ત્રણેક દિવસથી ટીમ દ્વારા તમામ તાલુકાના મુખ્ય મથકો ઉપરાંત મોટા ટાઉન વિસ્તારોમા ટીપીસી મશીન દ્વારા ખાદ્યતેલના નમુનાની તપાસ હાથ ધરવામા આવી રહી છે. 

(5:59 pm IST)