Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગાંધીનગરના પેથાપુરમાં બાળકને તરછોડવાના કેસમાં આરોપી સચિન દિક્ષીતની જામીન અરજી ગાંધીનગર કોર્ટ દ્વારા મંજૂરઃ પત્‍નીની હત્‍યા કેસમાં વડોદરા પોલીસે ધરપકડ કરી

સચિનના નામ જોગ ફરિયાદ ન હોવાની વકિલની દલીલ

અમદાવાદ: ગાંધીનગરના પેથાપુરમાં બાળકને તરછોડવાના કેસમાં આરોપી સચિન દિક્ષિતના જામીન અરજી મંજુર 15 હજારના બોન્ડ પર ગાંધીનગર કોર્ટે જામીન આપ્યા છે. આજે બાળકને તરછોડવાના કેસમાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સચિન દિક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સચિનના વકીલે રજૂઆત કરી હતી કે, આ ગુનામાં સચિન સામે જે કલમ ઉમેરવામાં આવી છે, તે ખોટી છે. તેની સામે નામજોગ કોઈ ફરિયાદ થઈ નથી. તેના આધારે ધરપકડ કરાઈ હતી. જે કલમ લગાવાઈ તે આ કેસમાં લાગુ પડતી નથી. ગાંધીનગર કોર્ટે આ દલીલો માન્ય રાખીને જામીન આપ્યા છે. તો બીજી તરફ, પત્ની હીનાના હત્યા કેસમાં સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે, હવે સચિનને વડોદરા કોર્ટમાં રજૂ કરાશે.

સચિનની સામે નામ જોગ ફરિયાદ નથી

બાળક તરછોડવાના કેસમાં સચિન દિક્ષિતે જામીન અરજી કરી હતી. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલને ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે સચીનના વકીલે કોર્ટમાં કહ્યું કે, સચિનનો ગુનો જામીન લાયક છે. તેની સામે કલમ 363 અને 317 લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામ જોગ ફરિયાદ નથી. તેથી સચિનને આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવે. હજુ dna ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. માટે તે સાબિત થતું નથી કે, ત્યજવામાં આવેલું બાળક સચિનનું જ છે. તેથી તેના પર 363 અને 317 કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જોઈએ.

ઘટના વડોદરા બની, ગાંધીનગરમાં કાર્યવાહી કરવી યોગ્ય નથી

આરોપી પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, કલમ 317 માં માતા-પિતા કે પછી બાળકની સંભાળ રાખનારી વ્યક્તિ ત્યજી દે તે આવે. અને કલમ 363 માં વાલીપણામાંથી બાળકનું અપહરણ કરવું આવે. આ બંને ગુના જામીનલાયક છે. જે ગુનો નોંધાયો છે તે અજાણ્યા ઈસમ સામે છે. ઘટના ૮ તારીખે બની છે, પોલીસે ૯ તારીખે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો છે અને ૧૦ તારીખે સચિન દિક્ષીતની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે હજુ એવા પુરાવા રજૂ નથી કર્યા કે જેમાં સાબિત થઈ શકે કે સચિન દિક્ષિતે અપહરણ કર્યું છે. ઘટના વડોદરા બની છે એટલે ગાંધીનગરમાં તેની કાર્યવાહી કરવી યોગ્ય નથી. બાળક સચિન દિક્ષીતનું છે કે કેમ તે ડીએનએ રિપોર્ટમાં ખ્યાલ આવશે. આવા સંજોગોમાં સચિન દિક્ષિતને જામીન મળવા જોઈએ.

તો બીજી તરફ, આરોપી સચિનના ટ્રાન્સફર ઓર્ડર વડોદરા પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે. સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે અને હવે તેને વડોદરા કોર્ટમાં રજૂ કરાશે.

(5:16 pm IST)