Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઇફકો ટોકિયો કંપનીના નોન એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર તરીકે નિમણૂક

વીમાક્ષેત્રે પારદર્શકતા સાથે સમય મર્યાદામાં લાભાર્થીઓને ચૂકવણું થાય તે માટે તેની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરતા દિલીપભાઈ

રાજકોટ તા.૧૪ : ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની ઇફકો ટોકિયો ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના નોન એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર તરીકે નિમણૂક થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી ફેલાય છે.
ચેરમેન શ્રી સંઘાણીએ કંપનીના નોન એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર તરીકેની તેમની નિમણૂક બાદ એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે, આઝાદી કાળથી જ ગુજરાતે સહકારિતાની આગવી પહેલ કરી છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ ખૂબ ફૂલી ફાલી છે, જેના કારણે રાજયમાં રોજગારીની વધુ તકો ઉપલબ્‍ધ બની છે. સહકારનું ક્ષેત્ર આજે સમાનતાની સાથે આત્‍મનિર્ભરતા થકી શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક બન્‍યું છે.
શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્‍યું હતું કે ઇફકો એ જાપાનની કંપની સાથે એમઓયુ કરી અંદાજે પાંચેક વર્ષ પહેલા વીમા ક્ષેત્રે પદાર્પણ કર્યું. સહકારી ક્ષેત્ર એ વીમાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હોય તે કદાચિત આ પ્રથમ ઘટના છે. આ કંપનીના નોન એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર તરીકેની નિમણૂક બાદની પ્રાથમિકતા બાબતે શ્રી સંઘાણી જણાવ્‍યું હતું કે વીમાક્ષેત્રે પારદર્શકતા આવે અને સમય મર્યાદામાં લાભાર્થીઓને ચુકવવાનું થાય એ બાબતને પ્રાધાન્‍ય આપવામાં આવશે.ᅠ
ગુજકોમાસોલના ચેરમેન અને સહકારી ક્ષેત્રના અગ્રણી એવા શ્રી દિલીપભાઈ સંઘાણીની આ નિમણૂકને સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના લોકોએ હર્ષથી વધાવી છે.

 

(10:44 am IST)