Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ધો. 9થી 12ના પેપર કાઢવા બદલ શાળાઓએ પરીક્ષા 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન લેવાની રહેશે

શાળાઓ પરીક્ષાના સમયને લઈને પોતાની રીતે ફેરફાર કરી શકશે

અમદાવાદ : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન યોજવાની જાહેરાત કરી હતી. જોકે, સ્કૂલો પોતાની રીતે પેપર તૈયાર કરી પરીક્ષા લેવાની છુટ આપવામાં આવ્યા બાદ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી સ્કૂલો પોતાની રીતે પેપર તૈયાર કરી શકશે. પરંતુ તેમણે પરીક્ષાનું આયોજન 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન જ લેવાની રહેશે. શાળાઓ પરીક્ષાના સમયને લઈને પોતાની રીતે ફેરફાર કરી શકશે તેમ બોર્ડે જણાવ્યું હતું.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન લેવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલી તમામ સ્કૂલોએ આ તારીખો દરમિયાન જ પરીક્ષા યોજવાની રહેશે. આ પ્રથમ પરીક્ષા બાબતે બોર્ડ દ્વારા અગાઉ પરિપત્રો કરવામાં આવ્યા હતા. આ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જે સ્કૂલોએ પ્રથમ પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્રોના ઉપયોગ કરવાનો વિકલ્પ સ્વિકાર્યો હોય તે શાળાઓએ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક અનુસાર જ પરીક્ષા યોજવાની રહેશે. જે શાળાઓએ પ્રથમ પરીક્ષા માટે શાળા કક્ષાએથી તૈયાર કરેલા પ્રશ્નપત્રોનો વિકલ્પ સ્વિકાર્યો હોય તે શાળા પરીક્ષાના સમયમાં ફેરફાર કરી શકશે. પરંતુ તેઓએ પરીક્ષા તો 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન જ યોજવાની રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે

(12:11 am IST)