Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

આણંદની ગણેશ ચોકડી નજીક બાઈક ચાલકે ટ્રાફિક જવાનને માર મારતા પોલીસ ફરિયાદ દાખલ

આણંદ: શહેરની ગણેશ ચોકડી આજે સવારના સુમારે બાઈક ચાલકને મેમો આપતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ ટ્રાફિકના જવાન સાથે ઝઘડો કરીને માર મારતાં અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેર ટ્રાફિકમાં ફરજ બજાવતા વિનોદભાઈ મુલારામ ચૌધરી આજે ગણેશ ચોકડીએ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક બાઈક પર બે શખ્સો સવાર થઈને આવી ચઢતાં વિનોદભાઈએ તેમને અટકાવ્યા હતા અને બાઈકના કાગળીયા તેમજ લાયસન્સની માંગણી કરી હતી. જેથી ચાલકે નહીં હોવાનું જણાવતાં વિનોદભાઈએ મેમો લખવાનું ચાલુ કર્યું હતુ. જેમાં ચાલક દિપક શીશપાલ ઠાકોર, પાછળ બેઠેલ રાહુલ મુકેશભાઈ ઠાકોર હોવાનું અને બાઈક લાલસિંહ રામચરણ ઠાકોરના નામનું હોવાનું ખુલવા પામ્યું હતુ. મેમો લખાઈ ગયા બાદ તેમાં સહી કરવાનું કહેતા બન્ને શખ્સોએ ના પાડી હતી અને ગમે તેવી ગાળો બોલીને વિનોદભાઈ સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. બન્નેનું ઉપરાણું લઈને લાલસિંહ અને દેવાભાઈ ગેરેજવાળા આવી ચઢ્યા હતા અને પોલીસ જવાનની ફેંટ પકડીને ગળુ પકડી લીધી હતી. ત્યારબાદ રાહુલે આંગળી ઉપર બચકું ભરી લીધું હતું.

(6:53 pm IST)