Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

GPSC દ્વારા બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થતા ધરણાઃ ૨ દિવસમાં પરિક્ષાની નવી તારીખો જાહેર ન કરાય તો ઉગ્ર આંદોલન

ગાંધીનગરઃ GPSC દ્વારા લેવામાં આવનારી બિનસચિવાલયની પરીક્ષા રદ થતા ફરી એકવાર ભરતી વિભાગ ફરી ચર્ચામાં છે. પહેલા પેપરલીક મામલે ને હવે બિનસચિવાલયની પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ રદ કરાતા લાખો યુવાનોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. જો કે આ વખતે નોકરી મળવાની લાલચે દિવસ રાત મહેનત કરતાં વિદ્યાર્થી ખુલીને સામે આવ્યા છે, પરીક્ષા રદ થતા મોટી સંખ્યામાં યુવાનો ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ ખાતે દેખાવો શરૂ કર્યા છે. એટલું જ નહીં તેઓએ ચીમકી ઉચ્ચારી કે બે દિવસમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવી, જો નહીં કરે તો તેઓ મોટું આંદોલન કરશે.

બિનસચિવાલયની પરીક્ષા 20 ઓક્ટોબરના રોજ લેવાનાર હતી, જો કે પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી, એટલું જ નહીં આ પરીક્ષા કેમ રદ કરવામાં આવી એ કારણ પણ જણાવવામાં આવ્યું નથી, મીડિયા દ્વારા નેતાઓને જ્યારે આ અંગે સવાલો કરવામાં આવ્યો તો તેઓને જાણે કે ચૂંટણીમાં જ રસ હોય એમ એકબીજા પક્ષો પર પ્રહારો કર્યા અને આડી આડી વાતો કરી યોગ્ય કારણ જણાવ્યું નહીં, અચાનક પરીક્ષા રદ થતા મોટી સંખ્યામાં યુવાનોને ઘણો આઘાત લાગ્યો, આ પહેલા પણ જ્યારે કોન્સ્ટેબલનું પેપર લીક થયું હતું ત્યારે રાજ્યના યુવાનો કળવો ઘુંટ પી ગયા હતા, પરંતુ ફરીએક વાર તેમની મહેનત પર પાણી ફળી વળશે તેવું જાણવા મળતાં જ તેમનામાં રોષ ફાટી નીકળ્યો છે. આથી તેઓએ પોતાનો રોષ ઠાલવવા માટે ગાંધીનગર પહોંચી ગયા છે, અહીં તેઓએ GPSCની ઓફિસ બહાર ધરણા શરૂ કર્યા છે, તેઓએ સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે પરીક્ષા કેમ રદ કરવામાં આવી તે જણાવવામાં આવે તથા તાત્કાલિક નવી તારીખો જાહેર કરવામાં આવે.

(5:38 pm IST)