Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

૧૦ની તથા ૨૦ની નવી નોટના દર્શન દુર્લભ

જુની નોટથી દિવાળી ઉજવવી પડે તેવી સ્થિતિ

અમદાવાદ, તા.૧૪: દિવાળીના તહેવારો હવે નજીકમાં છે ત્યારે નવી ચલણની ૧૦ અને ૨૦ની નોટો મળતી ન હોવાથી લોકોને જૂની નોટોથી જ દિવાળી ઉજવવી પડે તેવી નોબત આવી પડી છે. શુકનમાં જૂની નોટો આપવી પડશે તેવું જણાઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા નવી ૧૦ અને ૨૦ની ચલણી નોટો આપવાનો ધરાર ઈનકાર કરી દીધો છે અને નોટોના બદલે ૧૦ના સિક્કા આપી રહી છે. દિવાળીના તહેવારમાં નવી ચલણી નોટોની અછત સર્જાતા કાળાબજારીયાઓ રૂ.૧૦ ની નવી નોટના બંડલના રૂ.૯૫૦ અને રૂ.૨૦ની નવી નોટોના બંડલના રૂ.૨૦૦૦ માં ઓનમાં વેચાણ કરી રહ્યા છે. જયારે કાળાબજારીઓ પરચુરણ ડિસ્કાઉન્ટમાં આપી રહ્યા છે. ગુજરાતની બેંકોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બેંકોને ફરજિયાત પરચુરણ આપતા બેંકો ગ્રાહકોને આપતા તેઓ સ્વીકારતા નથી. જયારે ગ્રાહકો બેંકમાં પરચૂરણ લઈને જતા હોય તો સમય બગડે તેમ કહીને તેઓ પણ સ્વીકારતા નથી. જેના લીધે મોટાભાગની બેંકોમાં કરોડો રૂપિયાના પરચૂરણનો ભરાવો થઈ ગયો છે. રિઝર્વ બેંક પરચૂરણ આપે છે ખરી પણ પરત સ્વીકારતી નથી.   દિવાળીમાં બેંકો પાસે નવી ચલણી નોટો વર્ષોથી આવતી હતી. બેંકોના ગ્રાહકો બેંકોમાંથી નવી ચલણી નોટો લાવીને નવા વર્ષમાં વડીલો શુકનમાં નવી ચલણી નોટો આપતા હોય છે. આ વર્ષે આરબીઆઈ દ્વારા ગુજરાતની બેંકોને રૂ.૧૦ અને રૂ.૨૦ની ચલણી નોટો આપવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે. બીજી ચલણી નોટો જોઈતી હોય તો RBIમાંથી ફરજિયાતપણે પરચૂરણ પધરાવી રહ્યા છે.(૨૩.૭)

(11:34 am IST)