Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજ્યમાં માત્ર 47 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન મેળવે છે :કોંગ્રેસનો મોટો ઘટસ્ફોટ

ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં અસમાનતા ઊભી થશે : મુખ્યમંત્રીને લખ્યો પત્ર

અમદાવાદ: કોરોના મહામારીને લઇને વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે સરકારે ઓનલાઇન શિક્ષણ આપવાની પધ્ધતિ શરૂ કરાવી છે. પરંતુ ઓનલાઇન શિક્ષણ માત્ર 47 ટકા વિદ્યાર્થીઓ લેતાં હોવાનો કોંગ્રેસે ઘટસ્ફોટ કર્યો છે અને ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં અસમાનતા ઊભી થશે. જેથી સુચારુ અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલાં ભરવા કોંગ્રેસે માંગ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ-19ની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં સૌથી વધુ કોઈ અસરગ્રસ્ત હોય તો શૈક્ષણિક વ્યવસ્થા અને શૈક્ષણિક સંકુલો છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકડાઉનની જાહેરાતમાં સૌ પ્રથમ શૈક્ષણિક શાળા-કોલેજો બંધ રાખવામાં આવ્યા હતા અને સૌથી છેલ્લે શાળા-કોલેજો ખુલવાની છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ વાલીઓ સતત ચિંતિત છે. રાજ્ય સરકાર પણ, શાળા-કોલેજો અંગે અવઢવ પરિસ્થિતિમાંથી બહાર આવે અને જ્યાં સુધી કોરોના સંક્રમણ અટકે નહીં ત્યાં સુધી શાળા-કોલેજો ખોલવી ના જોઈએ તેવી રજૂઆત કરી છે.

તેમણે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણાં સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય માત્ર ઓનલાઈન અને મર્યાદિત સમય માટે ચાલી રહ્યું છે. જેમાં સર્વે મુજબ અને જમીની હકીકત તપાસતા 47 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ઓનલાઈન એજ્યુકેશનને કારણે અસમાનતામાં વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.

 કોંગ્રેસે કરેલી માંગણી મુજબ (1) રાજ્યમાં માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને ઓક્ટોબર-નવેમ્બર સુધી શાળાઓ ખુલે તેવી શક્યતા નથી. શાળાઓને ઈલેક્ટ્રીસિટી, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, અન્ય ખર્ચા સદંતર બંધ છે. સંજોગોમાં સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓને એક સત્રની ફી માફ કરવી અત્યંત જરૂરી છે. બાબતે સરકાર સંચાલકો સાથે તાત્કાલિક સંવાદ દ્વારા ઉકેલ લાવે.

(2) રાજ્યમાં માર્ચ મહિનાથી શૈક્ષણિક સ્કૂલો બંધ છે. નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો કરવો તે અંગે રાજ્ય સરકારે હજી સુધી નિર્ણય કર્યો નથી. ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થી-વાલીઓ-શિક્ષકગણ સતત ચિંતામાં છે. રાજ્ય સરકારે તાકીદે તાર્કિક રીતે અભ્યાસક્રમમાં શૈક્ષણિક દિવસોને ધ્યાનમાં લઈ ઘટાડો કરવો જોઈએ.

(11:05 pm IST)