Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ચણામાં કવીન્ટલે ૨૦૦થી ૩૦૦ રૂ.નો ઉછાળો

ચણાદાળ અને વેસણમાં પણ ભાવ વધારોઃ ગત વર્ષે ઓછુ ઉત્પાદન થતા સટાકીય તેજીઃ હજુ પણ ભાવો વધે તેવી વકી

રાજકોટ, તા.૧૪: સામાન્ય લોકોના આહારમાં પ્રોટીનયુકત ગણાતા ચણામાં છેલ્લા એક દોઢ માસથી શરૂ થયેલ તેજીનો દોર યથાવત રહ્યો છે. ગત સપ્તાહમાં ચણામાં કવીન્ટલે ૨૦૦થી ૩૦૦ રૂ.નો ભાવ વધારો થયો છે. ચણાની સાથે ચણાદાળ અને વેસણના ભાવમાં પણ ઉછાળો થયો છે.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ ચણામાં છેલ્લા એક માસની તેજીનો દોર શરૂ થયો છે. એક તબક્કે ચણા એક કવીન્ટલ (૧૦૦ કિલો)ના ભાવ ૪૦૦૦રૂ. હતા. તે છેલ્લા દોઢ માસમાં વધીને હાલમાં ૫૧૦૦થી ૫૨૦૦ રૂ. થઇ ગયા છે. ગત સપ્તાહમાં જ ચણામાં કવીન્ટલે ૨૦૦ થી ૩૦૦ રૂ. અને કિલોએ ૨ થી ૩ રૂ.નો ભાવ વધારો થયો છે. ચણાની સાથે ચણાદાળ અને વેસણમાં પણ કવીન્ટલે ૨૦૦થી ૩૦૦ રૂ. અને કિલોએ ૨ થી ૩ રૂ.નો ઉછાળો થયો છે. ચણાદાળ એક કવીન્ટલના ભાવ વધીને ૬૮૦૦થી ૭૨૦૦ રૂ. થયા છે. જયારે વેસણ (૫૦ કિલો)ના ભાવ વધીને ૩૪૦૦થી ૩૭૦૦ રૂ. થયા છે.

ગત વર્ષે ચણાનું ઓછુ ઉત્પાદન થતા અને તાજેતરમાં તહેવારોમાં ચણાની માંગ વધતા તેમજ કોરોનાને કારણે સરકારની મફત અનાજ વિતરણ યોજનામાં ચણાનો સમાવેશ કરાતા માંગ સામે ઓછુ ઉત્પાદન થતા અમુક સટોડીયાઓએ નીચા ભાવે ચણાની ખરીદી કરી સટ્ટો કરી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ ચણાના ભાવો વધે તેવી શકયતા છે.

(1:00 pm IST)